20 May, 2025 10:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જ્યોતિ મલ્હોત્રા, અરમાન, દેવેન્દ્ર સિંહ ઢિલ્લોં, તારીફ, શહઝાદ, નૌમન ઇલાહી, પલક શેર મસીહ અને સૂરજ મસીહ, ગઝાલા અને યામીન મોહમ્મદ
પહલગામ આતંકવાદી હુમલા પછી જાસૂસી પ્રવૃત્તિઓ પર દેખરેખ વધારવામાં આવતાં ભારતીય અધિકારીઓએ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી ઓછામાં ઓછા એક ડઝન જેટલા લોકોની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે. આ ધરપકડોમાં ૭ પંજાબથી, ૪ હરિયાણાથી અને ૧ ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે.
જાસૂસીની શંકાસ્પદ ટ્રાવેલ-વ્લૉગર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ પછી હિસારના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ શશાંક કુમાર સાવને જણાવ્યું હતું કે ‘યંગ ઇન્ફ્લુએન્સરોને દુશ્મન-દેશ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સરળ પૈસા કમાઈ લેવા માટે આવા ઇન્ફ્લુએન્સર ખોટા માર્ગે ચડી જાય છે. મોટા ભાગના આરોપીઓ યુવાન છે અને તેઓ ઝટપટ નાણાં કમાઈ લેવા માટે દુશ્મન દેશને સંવેદનશીલ માહિતી પહોંચાડતા હતા.’
હાલમાં પકડાયેલા જાસૂસોની વિગત આ મુજબ છે :
જ્યોતિ મલ્હોત્રા
‘ટ્રાવેલ વિથ જો’ નામની યુટ્યુબ-ચૅનલ ચલાવતી ટ્રાવેલ વ્લૉગર જ્યોતિ મલ્હોત્રા હરિયાણાના હિસારની રહેવાસી છે. ગયા અઠવાડિયે પાકિસ્તાન સાથે ભારતીય લશ્કરની માહિતી શૅર કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. ૩૩ વર્ષની જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનના એક અધિકારી દાનિશના સંપર્કમાં આવી હતી અને બે વાર તેણે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ તેની પાસે ભારતમાં જાસૂસી નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ કરી રહી હતી.
દેવેન્દ્ર સિંહ ઢિલ્લોં
પચીસ વર્ષનો દેવેન્દ્ર સિંહ ઢિલ્લોં પટિયાલાની ખાલસા કૉલેજમાં પૉલિટિકલ સાયન્સનો વિદ્યાર્થી છે. ૧૨ મેએ તેણે ફેસબુક-વૉલ પર પિસ્તોલ અને બંદૂકોના ફોટો અપલોડ કર્યા એ કેસમાં હરિયાણાના કૈથલથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તે ગયા નવેમ્બરમાં પાકિસ્તાન ગયો હતો અને તેણે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શૅર કરી હતી હતી જેમાં પટિયાલા લશ્કરી છાવણીના ફોટો પણ સામેલ હતા.
નૌમન ઇલાહી
હરિયાણામાં સુરક્ષાગાર્ડ તરીકે કામ કરતા ૨૪ વર્ષના નૌમન ઇલાહીની ધરપકડ પાણીપતથી કરવામાં આવી હતી. તે પાકિસ્તાનમાં ISI હૅન્ડલરના સંપર્કમાં હતો. ઉત્તર પ્રદેશનો મૂળ રહેવાસી તેના સાળાના ખાતામાં પાકિસ્તાનથી પૈસા મેળવતો હતો જેથી તે ઇસ્લામાબાદને માહિતી પૂરી પાડી શકે.
અરમાન અને તારીફ
૨૩ વર્ષના અરમાનની ધરપકડ ૧૬ મેએ હરિયાણાના નૂંહમાં કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાવ દરમ્યાન તે સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. પોલીસ પાસે તેના દાવાને સમર્થન આપવા માટે પૂરતા પુરાવા છે. તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. અરમાનની ધરપકડના બે દિવસ પછી તારીફને તાવડુ સબ-ડિવિઝનના કાંગરકા ગામમાંથી પકડવામાં આવ્યો હતો. પોલીસને જોતાં જ તેણે તેના મોબાઇલ પરની કેટલીક ચૅટ ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના ફોનમાંથી પાકિસ્તાની વૉટ્સઍપ નંબરમાંથી કેટલાક ડેટા પણ ડિલીટ કરવામાં આવ્યા હતા.
શહઝાદ
ઉત્તર પ્રદેશના રામપુરમાં રહેતા વેપારી શહઝાદની રવિવારે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)એ મુરાદાબાદથી ધરપકડ કરી હતી. STFએ જણાવ્યું હતું કે ‘તેણે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતી તેના હૅન્ડલરોને આપી હતી. તે ઘણી વાર પાકિસ્તાન ગયો હતો અને કૉસ્મેટિક્સ, કપડાં અને મસાલાની દાણચોરીમાં કથિત રીતે સામેલ હતો.’
મોહમ્મદ મુર્તઝા અલી
મોહમ્મદ મુર્તઝા અલીની ગુજરાત પોલીસે જાલંધરમાં દરોડા દરમ્યાન ધરપકડ કરી હતી. ગુપ્તચર માહિતી અનુસાર તેની ધરપકડ કરવામાં આવી હતી. તે પાકિસ્તાનની ISI માટે જાસૂસી કરી રહ્યો હતો. જાસૂસી કરવા માટે તેણે પોતે બનાવેલી મોબાઇલ-ઍપનો ઉપયોગ કર્યો હતો. તેની પાસેથી ચાર મોબાઇલ ફોન અને ત્રણ સિમ કાર્ડ મળી આવ્યાં હતાં.
ગઝાલા અને યામીન મોહમ્મદ
પંજાબના મલેરકોટલાની વતની ૩૨ વર્ષની ગઝાલા અને યામીન મોહમ્મદની પણ આ જાસૂસીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગઝાલાનો પતિ મૃત્યુ પામ્યો છે. તેની પાસે પણ પાકિસ્તાનના વીઝા છે. તે બીજા એજન્ટ્સને વીઝા-પ્રોસેસમાં મદદ કરતી હતી અને દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનનો કર્મચારી દાનિશ જે નાણાં મોકલે એ અન્ય એજન્ટ્સને તેના ફોનપે અકાઉન્ટથી મોકલતી હતી. યામીન મોહમ્મદ હવાલાથી નાણાં પૂરાં પાડતો હતો.
સુખપ્રીત સિંહ અને કરણબીર સિંહ
પંજાબ પોલીસે ગુરદાસપુરમાં ૨૦ વર્ષના સુખપ્રીત સિંહ અને ૧૯ વર્ષના કરણબીર સિંહની ધરપકડ કરી હતી. આ બે જણ ઑપરેશન સિંદૂર સંબંધી ગુપ્ત જાણકારી જેવી કે સૈનિકોની હિલચાલ અને પંજાબ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ અને કાશ્મીરમાં મુખ્ય વ્યૂહાત્મક સ્થળોની વિગતો પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI સાથે શૅર કરતા હતા. પહલગામના આતંકવાદી હુમલા પછી ISIએ આરોપીઓને સક્રિય કર્યા હતા અને તેમના ખાતામાં એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કરણબીર સિંહ ISI હૅન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં હતો. તે છેલ્લા ૧૫-૨૦ દિવસથી માહિતી શૅર કરી રહ્યો હતો અને ડ્રગ્સની દાણચોરીમાં પણ સામેલ હતો. તેની સામે કડક ઑફિશ્યલ સીક્રેટ્સ ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
પલક શેર મસીહ અને સૂરજ મસીહ
પંજાબ પોલીસે અમ્રિતસરમાંથી આ બે જણની ધરપકડ કરી હતી. તેઓ મજૂર છે અને તેમનો કોઈ ક્રિમિનલ રેકૉર્ડ નથી, પણ પહેલાં તેઓ નશીલા પદાર્થના બંધાણી હતા અને રૂપિયા મેળવવા માટે કોઈ પણ કામ કરતા હતા. તેમને નાની જાણકારી શૅર કરવા માટે ૫૦૦૦ અને સૈનિકોની મૂવમેન્ટની જાણકારી માટે ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવતા હતા.