04 July, 2026 11:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ચાઇનીઝ ઍપ BAT અને BMS નામની ઍપ્લિકેશનનો ઉપયોગ રસ્તા પર ચાલતી ઈ-રિક્ષાને દૂરથી રોકવા અથવા બંધ કરવા માટે થઈ શકે છે એ સંદર્ભનો વિડિયો વાઇરલ થયા બાદ ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) મંત્રાલયે આ ચાઇનીઝ ઍપને ગૂગલ પ્લેસ્ટોર અને ઍપલ ઍપસ્ટોર પરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. સોશ્યલ મીડિયા પર શ્રેણીબદ્ધ વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઍપ્લિકેશન વાહનની બૅટરીને લૉક અથવા અક્ષમ કરી શકે છે.
આ દાવાઓએ ઈ-રિક્ષા-ડ્રાઇવરોમાં અને ઘણા ઇલેક્ટ્રિક વાહન-યુઝર્સમાં ચિંતા ઊભી કરી છે. તેમને ડર છે કે જો આ શક્ય બને તો તેમનાં વાહનોની સલામતી પર સવાલ ઊભો થઈ શકે છે. જોકે વાઇરલ વિડિયોમાં કરવામાં આવેલા દાવાઓને કોઈ પણ સત્તાવાર એજન્સી, સંબંધિત કંપની અથવા ટેક્નિકલ નિષ્ણાતો દ્વારા પુષ્ટિ આપવામાં આવી નથી. તેથી જ્યાં સુધી એની ચકાસણી ન થાય ત્યાં સુધી આ દાવાઓને સંપૂર્ણપણે સચોટ માનવા અયોગ્ય રહેશે.
BAT અને BMS એ ચીની કંપની શેનઝેન ગ્રીનએનર્જી ટેક્નૉલૉજી દ્વારા વિકસાવવામાં આવેલી મોબાઇલ ઍપ્લિકેશન છે. એનો ઉપયોગ બૅટરી સંબંધિત માહિતી જોવા અને એનાં સેટિંગ્સ અને પ્રદર્શનનું નિરીક્ષણ કરવા માટે થાય છે. આ ઍપ્લિકેશન હાલમાં ગૂગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે. એ પહેલાં ઍપલ ઍપસ્ટોર પર ઉપલબ્ધ હતી, પરંતુ હવે એને દૂર કરવામાં આવી છે. શેનઝેન ગ્રીનએનર્જી ટેક્નૉલૉજી બૅટરી ઉત્પાદન અને સંબંધિત સૉલ્યુશન્સ કંપની છે જેનાં ઉત્પાદનો વિશ્વભરના ઘણા દેશોમાં વેચાય છે.