✕

ટ્રેનમાંથી ઊતરતી વખતે મિસ્ટેકથી બીજાની બૅગ તમારી પાસે આવી જાય ત્યારે એ પાછી વાળવા કેવી જહેમત લેવી જોઈએ?

28 November, 2026 07:37 AM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

કચ્છ એક્સપ્રેસમાં ભુજથી ચડીને ઓડિશાની ટ્રેન પકડવા તેમનું ગ્રુપ ગાંધીધામ ઊતર્યું ત્યારે ભૂલથી સાંતાક્રુઝના ‌વિપુલ દરજીની બૅગ પણ સાથે આવી ગઈ હતી.

જગદીશભાઈ પાસે ભૂલમાં આવી ગયેલી બૅગ

ઓડિશાના સંબલપુરમાં રહેતા ગુજરાતી જગદીશ શાહે પૂરું પાડ્યું ઉદાહરણ : કચ્છ એક્સપ્રેસમાં ભુજથી ચડીને ઓડિશાની ટ્રેન પકડવા તેમનું ગ્રુપ ગાંધીધામ ઊતર્યું ત્યારે ભૂલથી સાંતાક્રુઝના ‌વિપુલ દરજીની બૅગ પણ સાથે આવી ગઈ હતી : આ બૅગ હવે પાંચથી સાત દિવસમાં એના મૂળ માલિક સુધી પહોંચવાની છે

ટ્રેન-મુસાફરી દરમ્યાન ભૂલથી તેમની પાસે અન્ય મુસાફરની બૅગ આવી ગઈ હતી. આ બૅગ એના મૂળ માલિક સુધી સુરક્ષિત પહોંચે એ માટે જગદીશભાઈએ સતત પ્રયાસ કર્યા અને મુંબઈના મુલુંડમાં રહેતાં પોતાનાં બહેન-બનેવીની મદદથી સ્થાનિક અખબારો તથા સોશ્યલ મીડિયામાં જાહેરાત આપી હતી. જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ પચાસથી વધુ લોકોએ બૅગ પોતાની હોવાનો ખોટો દાવો કર્યો હતો, પરંતુ જગદીશભાઈએ ચતુરાઈપૂર્વક સાચા માલિકની ઓળખ કરી લીધી હતી અને બૅગ સાંતાક્રુઝમાં રહેતા યુવકની છે એની ખાતરી થતાં તેમણે ઓડિશાથી બૅગ મુલુંડ મોકલાવી આપી છે જે આગામી પાંચથી ૭ દિવસમાં અસલી માલિકને સુપરત કરવામાં આવશે.

આ સમગ્ર ઘટના વિશે વિગતો આપતાં જગદીશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કુલ ૨૦ લોકોના ગ્રુપ સાથે પ્રવાસ કરી રહ્યા હતા અને ગાંધીધામથી ઓડિશા જતી ટ્રેનની અમારી ટિકિટ હોવાથી અમે ભુજથી કચ્છ એક્સપ્રેસમાં બેઠા હતા તથા ગાંધીધામ સ્ટેશન પર ઊતર્યા હતા; એ સમયે અમે સૌ ટ્રેનમાંથી પોતાનો સામાન નીચે ઉતારી રહ્યા હતા ત્યારે ભૂલથી અન્ય કોઈની બૅગ અમારી પાસે આવી ગઈ હતી અને ટ્રેન ઊપડી ગયા બાદ અમને આ બાબતનું ધ્યાન આવ્યું હતું, એથી બૅગ સુરક્ષિત રહે એ હેતુથી મેં મારી પોતાની પાસે રાખી લીધી અને સંબલપુર, ઓડિશા લઈ ગયો હતો જ્યાં બૅગને તાળું મારેલું હોવાથી મેં એને એ જ સ્થિતિમાં સાચવી રાખી હતી. જોકે બૅગ જેની હશે તેના પર શું વીતી રહી હશે એ વિચાર મને સતત કોરી ખાતો હતો.’

જગદીશ શાહે કહ્યું હતું કે ‘મૂળ માલિકને શોધવા માટે મેં શરૂઆતમાં વૉટ્સઍપ પર બૅગ પોતાની પાસે આવી ગઈ હોવાનો મેસેજ ફરતો કર્યો હતો જેનાથી મને સતત ફોન આવવા લાગ્યા અને પચાસથી વધુ લોકોએ બૅગ પર દાવો કર્યો હતો. જોકે બૅગ ખરેખર કોની છે એની ખાતરી કરવા માટે મેં દાવેદારોને ચોક્કસ સવાલો પૂછ્યા જેના જવાબો પરથી મોટા ભાગના લોકો બોગસ હોવાનું સ્પષ્ટ થયું હતું. મુલુંડમાં મારાં બહેન દક્ષા તથા બનેવી ધીરેન્દ્ર શાહ રહે છે તેમ જ મોટા ભાગના કચ્છી પરિવારો પણ મુલુંડમાં વસવાટ કરે છે એ બાબત ધ્યાનમાં રાખીને મેં મારા ખર્ચે મુલુંડના એક સ્થાનિક અખબાર તેમ જ કચ્છ અને મુંબઈમાં વંચાતાં બે અખબારમાં જાહેરાત આપી હતી. એને પગલે આખરે ગુરુવારે બૅગના અસલી માલિક વિપુલ દરજીનો ફોન આવ્યો હતો અને તેણે બૅગનું સંપૂર્ણ તથા સચોટ વર્ણન આપતાં મને તેના પર વિશ્વાસ બેઠો હતો. ત્યાર બાદ માલિકની સંમતિથી મેં વિડિયો-રેકૉર્ડિંગ કરીને બૅગનું તાળું તોડ્યું હતું જેનાથી સાંતાક્રુઝમાં રહેતા એક યુવકની બૅગ હોવાનું સ્પષ્ટ થયું હતું અને અંદરથી કપડાં તથા કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. મેં આ બૅગ ઓડિશાથી મુલુંડમાં મારી બહેનના ઘરે મોકલી આપી છે, જ્યાંથી આગામી પાંચથી ૭ દિવસમાં સાંતાક્રુઝનો યુવક પોતાની બૅગ મેળવી લેશે.’

kutch odisha indian railways santacruz mumbai gandhidham bhuj mulund whatsapp kutchi community news india national news