ભારતમાં Covid-19કેસમાં ઝડપી ઉછાળો, ચોથી લહેરનો સામનો કરી રહી છે દુનિયા- સરકાર

20 January, 2022 07:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા 1 અઠવાડિયામાં દરરોજ 29 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા 4 અઠવાડિયામાં આફ્રિકામાં કોવિડના કેસ ઘટી રહ્યા છે. એશિયામાં કોવિડના કેસ વધી રહ્યા છે. યૂરોપમાં પણ કેસ ઘટી રહ્યા છે."

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે વિશ્વ આ સમય દરમિયા ચોથી લહેરનો સામનો કરી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે પ્રેસ કૉન્ફ્રેન્સમાં કહ્યું, "હાલ વિશ્વમાં કોવિડની ચોથી લહેર દેખાઈ રહી છે, છેલ્લા 1 અઠવાડિયામાં દરરોજ 29 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા 4 અઠવાડિયામાં આફ્રિકામાં કોવિડના કેસ ઘટી રહ્યા છે. એશિયામાં કોવિડના કેસ વધી રહ્યા છે. યૂરોપમાં પણ કેસ ઘટી રહ્યા છે."

ભારતમાં હાલ લગભગ 19 લાખ સક્રીય કેસ 
તેમણે કહ્યું કે, "ભારતમાં હાલ લગભગ 19 લાખ સક્રીય કેસ છે, ગયા અઠવાડિયે દરરોજ લગભગ 2,71,000 કેસ નોંધવામાં આવ્યા. પૉઝિટીવિટી રેટ 16 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 3,17,000 કેસ નોંધાયા. 1 જાન્યુઆરીના ફક્ત 22 હજાર કેસ નોંધવામાં આવ્યા હતા." સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે ભારતમાં કોવિડ-19 મહામારીની બીજી અને ત્રીજી લહેર વચ્ચે તુલના કરી અને મરણાંક અને વેક્સિનેશનના કવરેજમાં ફરક વિશે જણાવ્યું. પહેલી વાર, સ્વાસ્થ્ય મંત્રાલયે હાલના ઉછાળાને દેશમાં મહામારીની ત્રીજી લહેર જાહેર કરી.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, "છેલ્લા 4 દિવસમાં દરરોજ કોવિડ ટેસ્ટ સતત વધારવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 19 લાખ ટેસ્ટ થયા છે. મહારાષ્ટ્રમાં સાપ્તાહિક પૉઝિટીવિટી રેટ 2 ટકાથી વધીને 22 ટકા થઈ ગયો છે. કર્ણાટકમાં પૉઝિટીવિટી 4 અઠવાડિયા પહેલા 0.5 ટકા હતી જે હવે 15 ટકા થઈ ગઈ છે." તેમણે કહ્યું, "કેરળમાં પૉઝિટીવિટી રેટ 32 ટકા છે. દિલ્હીમાં પૉઝિટીવિટી રેટ 30 ટકા છે અને ઉત્તર પ્રદેશમાં 6 ટકાથી વધારે છે. દેશમાં 11 રાજ્યો એવા છે જ્યાં 50 હજારથી વધારે સક્રીય કેસ છે, 13 રાજ્યોમાં 10-50 હજાર વચ્ચે સક્રીય કેસ છે." સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવે જણાવ્યું કે કોવિડની બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેરમાં સક્રીય કેસની તુલનામાં મરણાંક ખૂબ જ ઘટ્યો છે. બીજી લહેર દરમિયાન વેક્સિનેટેડ જનસંખ્યા 2 ટકા હતી, હવે ત્રીજી લહેર દરમિયાન વેક્સિનેટેડ લોકોની સંખ્યા 72 ટકા છે.

બીજી અને ત્રીજી લહેરની તુલનામાં મોટો ફરક
મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઓરિસ્સા, દિલ્હી અને રાજસ્થાન રોજિંદા કેસની સંખ્યામાં મોટાભાગનું યોગદાન આપનારા રાજ્યો છે. 19 જાન્યુઆરીના પૂરા થતાં અઠવાડિયામાં, ભારતમાં 515 જિલ્લા છે જ્યાં સાપ્તાબિક કેસનો સંક્રમણ દર 5 ટકાથી વધારે છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું, 30 એપ્રિલ, 2021ના જ્યારે દેશમાં બીજી લહેર પોતાના ચરમ પર હતી, ત્યારે 3,86,452 નવા કેસ, 3,059 નિધન અને 31,70,228 સક્રીય કેસ હતા. સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ લોકોનો દર 2 ટકા હતો. તો 20 જાન્યુઆરી 2022ના 3,17,532 નવા કેસ, 380 નિધન અને 19,24,051 સક્રીય કેસ છે. સંપૂર્ણ વેક્સિનેશનવાળા લોકોનો દર 72 ટકા છે.

national news coronavirus covid19