09 May, 2025 10:29 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કર્નલ સોફિયા કુરેશી, વિદેશ સચિવ વિક્રમ મિસરી, વિન્ગ કમાન્ડર વ્યોમિકા સિંહ
ઑપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધી રહ્યો છે. ભારતની ઍર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ભારતનાં ૧૫ જેટલાં ઠેકાણાંઓ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ રહ્યો. ત્યારે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ઑપરેશન સિંદૂર અને પાકિસ્તાનના હુમલાના પ્રયાસ વિશે પ્રેસ-કૉન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે વિગતવાર માહિતી આપી હતી.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પ્રેસ-બ્રીફિંગ દરમ્યાન કહ્યું હતું કે ‘બૉર્ડરપાર આપણા વિરુદ્ધ ઘણીબધી ખોટી માહિતી આપવામાં આવી છે. પહલગામમાં થયેલો હુમલો તનાવ વધવાનું પહેલું કારણ છે, ભારતીય સેનાએ એનો જવાબ આપ્યો છે. પહલગામ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટૅન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી. જ્યારે યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલમાં નિવેદનમાં TRFનું નામ સામેલ કરવાની વાતો આવી તો માત્ર પાકિસ્તાને એનો વિરોધ કર્યો અને નામ હટાવ્યું. આ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હજી પણ આ આતંકવાદી સંગઠનને ઢાલ અને સમર્થન આપી રહ્યું છે. આતંકવાદીઓના જનાજાને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવે છે.’
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે ‘અમે પાકિસ્તાનનાં સૈન્ય-ઠેકાણાંઓને નિશાન નથી બનાવ્યાં. અમે પહેલાં જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. અમે પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ભારતમાં સૈન્ય-ઠેકાણાંઓ પર કોઈ પણ હુમલો યોગ્ય જવાબને આમંત્રિત કરશે.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ‘પાકિસ્તાને કોઈ પણ કારણ વગર નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબારની તીવ્રતા વધારી દીધી છે. પાકિસ્તાન દ્વારા ઘણી જગ્યાએ મોર્ટારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ હુમલાઓમાં ૧૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.’