10 October, 2026 08:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે વિપક્ષી સંસદસભ્યો
વિપક્ષી ગઠબંધને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે દેશભરમાં પોતાના આક્રમક વલણને વધુ તેજ બનાવ્યું છે. ચૂંટણીપ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને બૅલટ-પેપર દ્વારા મતદાન કરાવવાની તેમની માગણીને તેઓ રાષ્ટ્રપતિ સુધી લઈ ગયા છે અને હવે રાષ્ટ્રપતિના આગામી નિર્ણય પર સૌની નજર ટકેલી છે.
વિપક્ષના સંસદસભ્યોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ-પ્રદર્શન કરીને રાષ્ટ્રપતિ ભવન સુધી પગપાળા માર્ચ કરી હતી અને રાષ્ટ્રપતિ સમક્ષ ચૂંટણીમાં થયેલી કથિત વોટચોરીની ફરિયાદ કરી હતી. આ મુલાકાત બાદ કૉન્ગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ વોટચોરીના પુરાવા માગ્યા છે જે વિપક્ષ ટૂંક સમયમાં જમા કરાવશે. ખડગેએ બૅલટ-પેપરથી ચૂંટણી યોજવાની માગણી દોહરાવી હતી.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ‘રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને અમે વોટચોરીના સમગ્ર મામલે તેમને આવેદન આપ્યું હતું. આવેદન સ્વીકારવાની સાથે રાષ્ટ્રપતિએ વોટચોરીની વાતનું ખંડન નહોતું કર્યું કે વાતને નકારી નહોતી, પરંતુ અમારી પાસે પુરાવાની માગણી કરી હતી. કાર્યવાહીની પણ બાંયધરી આપી હતી.’
પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજી પ્રથમ વખત આ વિરોધ-પ્રદર્શનમાં જોડાયાં હતાં અને પગપાળા ચાલીને રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યાં હતાં. વિરોધ-પ્રદર્શન દરમ્યાન સંસદસભ્યો હાથમાં ‘સેવ ડેમોક્રસી’નાં પોસ્ટર અને ટૉર્ચલાઇટ લઈને આગળ વધી રહ્યા હતા. એ જ સમયે પ્રિયંકા ગાંધીની સુરક્ષા-કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ તેઓ અન્ય નેતાઓ સાથે વિજય ચોકમાં રસ્તા પર બેસી ગયાં હતાં, જ્યારે જેમનાં નામ હતાં તે સંસદસભ્યો રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધી ગયા હતા.
કૉન્ગ્રેસના નેતા પવન ખેડાએ રાષ્ટ્રપતિ ભવનને લોકશાહીનું અંતિમ પ્રહરી ગણાવ્યું હતું અને હવે બંધારણ બચાવવાની સંપૂર્ણ જવાબદારી રાષ્ટ્રપતિની હોવાનું જણાવ્યું હતું. મળવા ગયેલા પ્રતિનિધિમંડળમાં મમતા બૅનરજી, રાહુલ ગાંધી, સુપ્રિયા સુળે, ઓમર અબદુલ્લા અને મનોજ ઝા સહિત ૧૦ સંસદસભ્યો સામેલ હતા.