ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ ખુલ્યા આ ૩૨ એરપોર્ટ, જલ્દી શરુ થશે ફ્લાઇટ્સ

12 May, 2025 12:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

India-Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને ૧૫ મે ૨૦૨૫ સુધી ૩૨ એરપોર્ટની સેવા બંધ કરવામાં આવી હતી; હવે યુદ્ધવિરામ બાદ એરપોર્ટ ખોલવાનો આદેશ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) પછી, ભારતીય સેના (Indian Army)એ ચાર દિવસના ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)માં પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો ખરાબ રીતે નાશ કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના લશ્કરી સંઘર્ષ (India-Pakistan Tension) પછી, જે એરપોર્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા તે હવે ફરીથી ખોલવામાં આવી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ સોમવારે દેશના તમામ એરપોર્ટ ખોલવામાં આવ્યા છે. ૭ મેથી આ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ ૩૨ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (Airports Authority of India)એ આ માહિતી આપી છે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, હવે આ તમામ ૩૨ એરપોર્ટ ખોલવામાં આવ્યા છે.

એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ૧૫ મેના રોજ સવારે ૫:૨૯ વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ કરાયેલા ૩૨ એરપોર્ટ તાત્કાલિક અસરથી ફરી ખોલવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે, મુસાફરોએ આ એરપોર્ટ પરથી ફ્લાઇટમાં બેસતા પહેલા સંબંધિત એરલાઇન્સ પાસેથી માહિતી લેવી જોઈએ. ઉપરાંત, નિયમિત અપડેટ્સ માટે સંબંધિત એરલાઇન્સની વેબસાઇટની મુલાકાત લેવી.

અગાઉ ૧૫ મેના રોજ સવારે ૫.૨૯ વાગ્યા સુધી બંધ રાખવામાં આવેલા ૩૨ એરપોર્ટ હવે ખુલી ગયા છે. આ એરપોર્ટમાં સામેલ છે આદમપુર (Adampur), અંબાલા (Ambala), અમૃતસર (Amritsar), અવંતિપુર (Avantipur), ભટિંડા (Bathinda), ભુજ (Bhuj), બિકાનેર (Bikaner), ચંદીગઢ (Chandigarh), હલવારા (Halwara), હિંડોન (Hindon), જેસલમેર (Jaisalmer), જમ્મુ (Jammu), જામનગર (Jamnagar), જોધપુર (Jodhpur), કંડલા (Kandala), કાંગડા- ગગ્ગલ (Kangra - Gaggal), કેશોદ (Keshod), કિશનગઢ (Kishangarh), કુલ્લુ મનાલી – ભુંતર (Kullu Manali - Bhuntar), લેહ (Leh), લુધિયાણા (Ludhiana), રાજકોટ – હીરાસર (Rajkot - Hirasar), સરસાવા (Sarsawa), સિમલા (Shimla), શ્રીનગર (Srinagar), થોઈસ (Thois) અને ઉત્તરલાઈ (Uttarlai). હવે આ તમામ એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ ગઈ છે.

ઈન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી છે. કંપનીએ એક ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને લખ્યું છે કે, તમામ એરપોર્ટ ફ્લાઇટ્સ માટે ખોલી દેવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું છે કે, સેવા સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં, એરલાઈને મુસાફરોને થોડો વધારાનો સમય લઈને એરપોર્ટ પહોંચવાની સલાહ આપી છે.

દિલ્હી એરપોર્ટ (Delhi Airport)એ પણ એક પેસેન્જર એડવાઇઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં, મુસાફરોને તમામ પ્રકારની માહિતી માટે સંબંધિત એરલાઇન્સની વેબસાઇટની મુલાકાત લેવાની અને ત્યાં આપેલી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત, મુસાફરોને કોઈપણ પ્રકારના વિલંબને ટાળવા માટે વધુ સમય લેવાની સલાહ આપવામાં આવી છે.

એરપોર્ટ્સ શરુ થવાથી ઘણી રાહત થશે.

ind pak tension airlines news india pakistan terror attack Pahalgam Terror Attack indian government national news news indigo air india spicejet