03 July, 2025 06:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્ર સરકારે ૯ ગ્રીન ઓવરપાસ અને ૧૭ અન્ડરપાસ જંગલી પ્રાણીઓ માટે બનાવ્યા છે.
જંગલોમાંથી પસાર થતા મહામાર્ગો પર અચાનક જ જંગલી પ્રાણીઓ રસ્તા વચ્ચે આવી જતાં વન્યજીવસૃષ્ટિને નુકસાન થતું આવ્યું છે. જોકે આ બાબતે ભારતમાં હવે ખાસ્સી જાગૃતિ આવવાની શરૂઆત થઈ ગઈ છે. તાજેતરમાં નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ નૅશનલ રૂટ પર પહેલો વાઇલ્ડલાઇફ કૉરિડોર તૈયાર કર્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર રણથંભોર અભયારણ્ય પાસે ૧૨ કિલોમીટર લાંબો અન્ડરપાસ બનાવવામાં આવ્યો છે જે ભારતનો સૌથી લાંબો અન્ડરપાસ છે. આ ઉપરાંત પાંચ ઓવરપાસ પણ આ જ વિસ્તારમાં બન્યા છે.
હ્યુમન ટ્રાફિક અને વાઇલ્ડલાઇફની જાળવણી એમ બન્નેને અગ્રિમતા આપતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે એ લાંબા ગાળે જંગલી પ્રાણીઓની સુરક્ષાનું કામ કરશે. વાઇલ્ડલાઇફ કૉરિડોર બનાવતી વખતે પણ જંગલી પ્રાણીઓને કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. હવે જ્યારે અન્ડરપાસ અને ઓવરપાસ બની ચૂક્યા છે ત્યારે એ એન્જિનિયરિંગ અને ઇકોલૉજિકલ જાગૃતિનું પરફેક્ટ ફ્યુઝન બની ગયું છે. નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના રીજનલ ઑફિસર પ્રદીપ અત્રીનું કહેવું છે કે ‘જ્યારથી આ પૅસેજ બનીને તૈયાર થઈ ગયા છે અહીં મૂકેલા કૅમેરામાં કેટલાંક રીંછ અને ટાઇગર્સ આ ઓવરપાસનો ઉપયોગ કરતા હોય એવાં ફુટેજ પણ જોવા મળ્યાં છે.’
મુંબઈ-નાગપુર એક્સપ્રેસવે જે હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ તરીકે ઓળખાય છે એના પર પણ મહારાષ્ટ્ર સરકારે ૯ ગ્રીન ઓવરપાસ અને ૧૭ અન્ડરપાસ જંગલી પ્રાણીઓ માટે બનાવ્યા છે.
કૉરિડોરની ખાસિયતો શું છે?
રણથંભોર અને ચંબલ વૅલીનાં ગાઢ જંગલોમાં આ બનાવવામાં આવ્યા છે.
૫૦૦ મીટર લાંબા બે ઓવરપાસ બનાવવામાં આવ્યા છે અને એમાં જમીનના નૅચરલ શેપને જાળવી રાખવામાં આવ્યા છે.
૧.૨ કિલોમીટર લાંબા અન્ડરપાસ બનાવવામાં આવ્યા છે જે માત્ર મોટાં પ્રાણીઓ જ ક્રૉસ કરી શકે એમ છે. લગભગ પાંચ કિલોમીટર જેટલો એક્સપ્રેસવે કાં તો એલિવેટેડ છે કાં જમીનની અંદર છે જેથી પ્રાણીઓના નૅચરલ રસ્તાને ડિસ્ટર્બન્સ ન થાય.
જંગલી પ્રાણીઓને રોડ પર પ્રવેશતાં અટકાવવા માટે ચાર મીટર ઊંચી દીવાલો અને બે મીટર ઊંચા સાઉન્ડ બૅરિયર્સ લગાડવામાં આવ્યાં છે.
૨.૫ કિલોમીટરનો લાંબો સ્ટ્રેચ જંગલી પ્રાણીઓ માટે બનાવવામાં આવ્યો છે જે ઇન્ડિયાનો સૌથી લાંબો વાઇલ્ડલાઇફ ઓવરપાસ છે.
રોડની બે તરફ ૩૫,૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યાં છે.
દર ૫૦૦ મીટરના અંતરે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ યુનિટ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યા છે.