29 April, 2026 09:22 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતમાં હિન્દી બાદ સૌથી વધુ બોલાતી ભાષાઓમાં બંગાળી, મરાઠી, તેલુગુ અને તામિલનો સમાવેશ છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ હિન્દી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે જેમાં ૫૨.૮૩ કરોડ લોકો હિન્દી બોલે છે. આમ ભારતની એ સમયની વસ્તીનો ૪૩.૬૩ ટકા હિસ્સો હિન્દી બોલે છે. ૨૦૨૭માં થનારી વસ્તીગણતરી નવો ડેટા પ્રદાન કરશે.
બીજા નંબરે બંગાળી ભાષા છે અને ૯.૭૨ કરોડ લોકો (૮.૦૩ ટકા) બંગાળી બોલે છે. બંગાળી પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં સૌથી વધુ બોલાય છે. ભારતની બહાર બંગાળી બંગલાદેશની રાષ્ટ્રીય ભાષા છે.
મરાઠી બોલનારાઓની સંખ્યા ૮.૩૦ કરોડ (૬.૮૬ ટકા) છે. એ મુખ્યત્વે મહારાષ્ટ્રમાં બોલાય છે.
તેલુગુ બોલનારાઓની સંખ્યા ૮.૧૧ કરોડ (૬.૭૦ ટકા) છે. એ ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગણ રાજ્યોમાં સૌથી વધુ બોલાય છે.
૬.૯૦ કરોડ (૫.૭૦ ટકા) લોકો તામિલ બોલે છે. એ ભારતના તામિલનાડુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉન્ડિચેરીમાં બોલાય છે.
ભારતમાં ગુજરાતી બોલનારાઓની સંખ્યા ૫.૫૪ કરોડ છે. ઉર્દૂ બોલનારાઓની સંખ્યા ૫.૦૭ કરોડ છે. કન્નડા બોલનારાઓની સંખ્યા ૪.૩૭ કરોડ છે. આ આંકડા ૨૦૧૧ની વસ્તીગણતરી પર આધારિત છે. આગામી વસ્તીગણતરીમાં એમાં ફેરફાર થઈ શકે છે.