12 May, 2025 02:01 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી
કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલા જવાબને ‘બુદ્ધિશાળી અને સંતુલિત’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘બાવીસમી એપ્રિલે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં બદલાના જોરદાર અવાજો ઊઠ્યા હતા, પરંતુ સરકારે મર્યાદિત લશ્કરી કાર્યવાહીનો માર્ગ પસંદ કરીને એક મોટા યુદ્ધને ટાળ્યું છે. ભારતની લશ્કરી કાર્યવાહી મર્યાદિત અને સુનિયોજિત હતી જેનો હેતુ આતંકવાદી સંગઠનોના માળખાને નષ્ટ કરવાનો હતો. દુનિયા હજી પણ ૨૦૨૨માં વ્લાદિમીર પુતિનને કહેલા મોદીના શબ્દો યાદ કરે છે ‘આ યુદ્ધનો યુગ નથી’. આ જ કારણ છે કે ઘણા દેશોએ ખાનગી રીતે ભારતને યુદ્ધ ન કરવાની સલાહ આપી હતી.’
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત અને પાકિસ્તાન બન્ને પરમાણુ શક્તિઓ છે અને યુદ્ધ માત્ર પ્રાદેશિક જ નહીં, પરંતુ વૈશ્વિક અસ્થિરતાનું કારણ બની શકે છે.