07 May, 2025 01:54 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે મહત્ત્વનાં અને કઠોર મનાતાં દસ પગલાં લીધાં છે જેની જાણકારી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં આપી હતી.
સિંધુ જળ સંધિ સ્થગિત
વિશ્વ બૅન્કની મધ્યસ્થીથી ૧૯૬૦માં કરવામાં આવેલા સિંધુ જળ કરારને સ્થગિત કરવામાં આવ્યો છે. સરહદપાર આતંકવાદનો સામનો કરવા માટે તાજેતરનાં વર્ષોમાં ભારત દ્વારા લેવામાં આવેલું આ સૌથી મજબૂત પગલું માનવામાં આવે છે.
અટારી-વાઘા સરહદ સંપૂર્ણપણે સીલ
ભારતે અટારી-વાઘા જમીન સરહદ સીલ કરી દીધી છે, જેમાં તમામ રાહદારીઓ અને વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આમાં વેપાર, યાત્રાધામ માર્ગો અને રાજદ્વારી પ્રવેશબિંદુઓનો પણ સમાવેશ થાય છે.
સાર્ક વીઝા-મુક્તિ યોજના રદ
પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વીઝા-મુક્તિ યોજના સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. આ વીઝા પત્રકારો, રાજદ્વારીઓ, સામાજિક કાર્યકરો સહિત ચોક્કસ શ્રેણીની વ્યક્તિઓ માટે સરળ મુસાફરીની મંજૂરી આપતા હતા.
લશ્કરી સલાહકારોની હકાલપટ્ટી
ભારતમાં તહેનાત તમામ પાકિસ્તાની લશ્કરી સલાહકારોને હાંકી કાઢવામાં આવ્યા છે, જ્યારે ભારતીય સમકક્ષોને ઇસ્લામાબાદથી પાછા બોલાવી લેવામાં આવ્યા છે.
રાજદ્વારી સ્ટાફમાં ઘટાડો
ભારતે પાકિસ્તાનમાં એના રાજદ્વારી સ્ટાફની સંખ્યા પંચાવનથી ઘટાડીને ત્રીસ કરી છે જે ૪૫ ટકાનો નોંધપાત્ર ઘટાડો છે.
પાકિસ્તાની યુટ્યુબ અને સેલિબ્રિટી ચૅનલો પર પ્રતિબંધ
ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ અને સેલિબ્રિટી કન્ટેન્ટ ચૅનલોને ભારતમાં અૅક્સેસિબલ થવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ એક વ્યાપક ડિજિટલ સૅનિટાઇઝેશન ઝુંબેશનો ભાગ છે.
પાકિસ્તાનથી આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ
ભારતે પાકિસ્તાનથી આયાત થતા અને અહીંથી નિકાસ થતા તમામ માલસામાન પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં અગાઉ ભારતીય પ્રદેશમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવતા ટ્રાન્ઝિટ માલનો પણ સમાવેશ થાય છે. આ પગલાથી ઔપચારિક રીતે દ્વિપક્ષીય વેપારના દરવાજા અસરકારક રીતે બંધ થઈ ગયા છે. ત્રીજા દેશ દ્વારા થતા વેપારને પણ બંધ કરવામાં આવ્યો છે.
ભારતીય બંદરોમાં પાકિસ્તાની જહાજો પર પ્રતિબંધ
પાકિસ્તાની જહાજોને ભારતીય બંદરો પર ડૉકિંગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે. આમાં કાર્ગો, ટ્રાન્ઝિટ અને વેપારી જહાજોનો સમાવેશ થાય છે.
ટપાલ અને પાર્સલ સેવાઓનું સસ્પેન્શન
પાકિસ્તાન જતી અને આવતી ટપાલ અને કુરિયર સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. આ સરહદપારના કૌટુંબિક અથવા કાનૂની સંબંધો ધરાવતા નાગરિકોને અસર કરે છે.
શંકાસ્પદ આતંકવાદીઓના પરિવારનાં ઘરોનો ધ્વંસ
ભારતીય સુરક્ષા દળો દ્વારા ઓળખાયેલા શંકાસ્પદ આતંકવાદીઓના પરિવારોનાં ઘરો તોડી પાડવામાં આવ્યાં છે. આ પગલાથી એક સંદેશ આપવામાં
આવ્યો છે કે આતંકવાદીઓને આશ્રય આપનારા અથવા વૈચારિક સમર્થન આપનારા લોકોને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.