25 October, 2025 09:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૩૦ ઑક્ટોબરથી ૧૦ નવેમ્બર દરમ્યાન પાકિસ્તાન બૉર્ડર પર ભારતીય સેનાની ત્રણે સર્વિસ સંયુક્ત કવાયત કરવાની છે. આ માટે ભારતે નોટિસ ટુ ઍરમેન (NOTAM) જાહેર કરીને ભારતના હવાઈ વિસ્તારમાં અલર્ટ જાહેર કરી હોવાના અહેવાલો ગઈ કાલે મળ્યા હતા.
અહેવાલો પ્રમાણે ડિફેન્સમાં આધુનિકતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યની તૈયારી માટે ઇન્ડિયન આર્મીના સધર્ન કમાન્ડ દ્વારા એક મોટી સૈન્ય કવાયત હાથ ધરાવાની છે. ‘એક્સ ત્રિશૂલ’ નામે યોજાનારી આ કવાયતમાં આપણી ત્રણે સેના આર્મી, નેવી અને ઍરફોર્સ એકસાથે એક્સરસાઇઝ કરશે.
આ કવાયતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘JAI’ વિઝન મુજબ તૈયાર કરવામાં આવી છે. એમાં J એટલે જૉઇન્ટનેસ, A એટલે આત્મનિર્ભરતા અને I એટલે ઇનોવેશન છે. આ કવાયતનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ દ્વારા કરવામાં આવશે.
શું થશે કવાયત દરમ્યાન?
આ કવાયત દરમ્યાન સૈનિકો રણ, દરિયાકાંઠા અને ખાડીના પ્રદેશોમાં સંયુક્ત કામગીરી કરશે. ઉપરાંત સૈનિકો સાઇબર અને ઇલેક્ટ્રૉનિક વૉરફેર માટે પણ સજ્જ થશે. કવાયતમાં ડ્રોન નેટવર્કિંગ, સૅટેલાઇટ લિન્ક્સ અને AIઆધારિત કમાન્ડ સિસ્ટમ્સ સહિતની અનેક સ્વદેશી તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. આર્મી ઑફિસર્સનું કહેવું છે કે આ કવાયત માત્ર લશ્કરી પ્રદર્શન નથી, પણ આપણી ત્રણે સર્વિસિસના વિચાર અને તાલીમને એક કરવાની પ્રક્રિયા છે.