મોદી સરકાર પાકિસ્તાનનો નાપાક ચહેરો દુનિયા સામે ઉઘાડો પાડશે, પક્ષ-વિપક્ષના ૩૦ સંસદસભ્યો ૧૦ દિવસ માટે વિદેશ જશે

17 May, 2025 12:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત સરકારે પાકિસ્તાનનાં કરતૂત દુનિયા સમક્ષ ઉજાગર કરવા માટે આવતા અઠવાડિયે વિવિધ દેશોની મુલાકાત લેવા માટે એક સર્વદળીય પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય લીધો છે.

શશી થરૂર

ઑપરેશન સિંદૂર બાદ હવે ભારતીય સંસદસભ્યો દુનિયાભરમાં પાકિસ્તાનનો પર્દાફાશ કરશે. ભારત સરકારે પાકિસ્તાનનાં કરતૂત દુનિયા સમક્ષ ઉજાગર કરવા માટે આવતા અઠવાડિયે વિવિધ દેશોની મુલાકાત લેવા માટે એક સર્વદળીય પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય લીધો છે. કહેવાઈ રહ્યું છે કે ઓછામાં ઓછા ૩૦ સંસદસભ્યોને ૧૦ દિવસ માટે વિવિધ દેશોના પ્રવાસ પર મોકલવામાં આવશે. આ વિશે સરકારે વિપક્ષ સહિત વિવિધ રાજકીય પક્ષોના સંસદસભ્યો સાથે વાત કરી છે. કેટલાક પક્ષોએ તેમના સંસદસભ્યોને મોકલવાની મંજૂરી આપી દીધી છે. આ પ્રતિનિધિમંડળ દ્વારા દુનિયાના દેશોને જાણકારી અપાશે કે કઈ રીતે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદને કારણે ભારતના માસૂમ નાગરિકોએ જીવ ગુમાવવા પડે છે.

શશી થરૂરને મોદી સરકારે સોંપી મહત્ત્વની જવાબદારી

કેરલાના તિરુવનંતપુરમના સંસદસભ્ય શશી થરૂર પાર્ટી-લાઇન વિરુદ્ધ નિવેદનો આપવા બદલ કૉન્ગ્રેસના નિશાના પર છે એની વચ્ચે મોદી સરકારે શશી થરૂરને મહત્ત્વની જવાબદારી સોંપી છે. વિદેશી મામલાઓ પર સંસદીય પૅનલના પ્રમુખ શશી થરૂરને બહુપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આતંકવાદ પર પાકિસ્તાનની હરકતોનો દુનિયાભરમાં પ્રર્દાફાશ કરવાની યોજના હેઠળ સરકારે અલગ-અલગ પક્ષોના સંસદસભ્યોને મોકલવાની તૈયારી કરી છે. કૉન્ગ્રેસના મનીષ તિવારી, શિવસેના UBTનાં પ્રિયંકા ચતુર્વેદી, ભારતીય જનતા પાર્ટી (BJP)ના સમિક ભટ્ટાચાર્ય, બિજુ જનતા દલ (BJD)ના સસ્મિત પાત્રા, શિવસેનાના શ્રીકાંત શિંદે, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના શરદ પવાર જૂથનાં સુપ્રિયા સુળે સહિત અન્ય સંસદસભ્યોનાં નામ સામેલ છે.

operation sindoor indian government parliament narendra modi ind pak tension india pakistan anti-terrorism squad national news news