16 May, 2026 02:30 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam terror attack) બાદ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે. ભારતે `ઓપરેશન સિંદૂર` (Operation Sindoor) પાર પાડીને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, ‘હિન્દુસ્તાનને નબળું સમજવાની ભૂલ કરવી એ માત્ર નાદાની જ ગણાશે.’ આ દરમિયાન ભારતના આર્મી (Indian Army) ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Upendra Dwivedi)એ પાકિસ્તાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ‘જો પાકિસ્તાન આતંકવાદ પર લગામ નહીં કસે તો તે પોતે જ નક્કી કરી લે કે તેને (વિશ્વના) ભૂગોળ અને ઇતિહાસનો હિસ્સો રહેવું છે કે નહીં.’
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક સૈન્ય સંદેશ આપતા શનિવારે ચેતવણી (Indian Army Chief Upendra Dwivedi’s stern warning to Pakistan) આપી છે કે, જો તેણે ભારત વિરુદ્ધ આતંકવાદીઓને આશરો આપવાનું અને પોતાની નાપાક પ્રવૃત્તિઓ ચાલુ રાખી, તો તેણે નક્કી કરવું પડશે કે તે (વિશ્વના) ભૂગોળનો હિસ્સો બની રહેવા માંગે છે કે ઇતિહાસનો. આ નિવેદન દિલ્હી (Delhi)માં આયોજિત `યુનિફોર્મ અનવેઇલ્ડ` (Uniform Unveiled)ના એક સત્ર દરમિયાન ભારત વિરુદ્ધ પાકિસ્તાનની નાપાક કરતૂતો પર પ્રતિક્રિયા આપવાના સંદર્ભમાં આપવામાં આવ્યું હતું.
દિલ્હીના માણેકશો સેન્ટર (Manekshaw Centre) ખાતે `યુનિફોર્મ અનવેઇલ્ડ` દ્વારા આયોજિત એક સંવાદાત્મક સત્ર (ઇન્ટરેક્ટિવ સેશન) દરમિયાન, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને પૂછવામાં આવ્યું હતું કે, ‘જો ગયા વર્ષે `ઓપરેશન સિંદૂર` જેવી સ્થિતિનું નિર્માણ કરનારી પરિસ્થિતિઓ ફરીથી ઊભી થાય, તો ભારતીય સેના તેના પર કેવી પ્રતિક્રિયા આપશે?’
આનો જવાબ આપતા સેના પ્રમુખે જણાવ્યું હતું કે, જો ગયા વર્ષે થયેલા `ઓપરેશન સિંદૂર` જેવી પરિસ્થિતિ ફરીથી ઊભી થશે, તો ભારતીય સેના તે જ રીતે અથવા તેનાથી પણ વધુ મજબૂત અને આકરો જવાબ આપશે. તેમનો આ સંદેશ પાકિસ્તાન માટે એક સ્પષ્ટ ચેતવણી છે કે, ભારત હવે કોઈપણ કિંમતે આતંકવાદને સહન કરશે નહીં.
અત્રે નોંધનીય છે કે, સેના પ્રમુખનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશ `ઓપરેશન સિંદૂર`ની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. સેનાના એક સંવાદ કાર્યક્રમ દરમિયાન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારત પ્રત્યેની પોતાની નીતિમાં બદલાવ લાવવો જ પડશે.
પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ગયા વર્ષે 7 મેના રોજ સવારે `ઓપરેશન સિંદૂર` શરૂ કર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આવેલા અનેક આતંકવાદી માળખાઓ અને ઠેકાણાઓને નાબૂદ કરી દીધા હતા.
આ સૈન્ય કાર્યવાહીના જવાબમાં પાકિસ્તાને પણ ભારત સામે વળતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે અંદાજે ૮૮ કલાક સુધી ભીષણ સૈન્ય સંઘર્ષ ચાલ્યો હતો. આખરે, ૧૦ મેની સાંજે બંને દેશો વચ્ચે એક સમજૂતી સધાયા બાદ આ સૈન્ય સંઘર્ષનો અંત આવ્યો હતો.