20 May, 2025 11:13 AM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
સુવર્ણમંદિરને અને પંજાબનાં શહેરોને પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનથી L-70 ઍર ડિફેન્સ ગનથી કેવી રીતે બચાવ્યાં એનું ડેમોન્સ્ટ્રેશન આર્મીએ ગઈ કાલે આપ્યું હતું.
ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં ઇન્ડિયન આર્મીએ પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોન સામે પંજાબનાં શહેરો અને અમ્રિતસરમાં સુવર્ણમંદિરનું રક્ષણ કેવી રીતે કર્યું હતું એની જાણકારી ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર આપી હતી. પાકિસ્તાન તરફથી ઊભા થયેલા ખતરાને નિષ્ક્રિય કરવા માટે ભારતે આકાશ મિસાઇલ સિસ્ટમ અને L-70 ઍર ડિફેન્સ ગનની મદદથી પાકિસ્તાની મિસાઇલોને અધવચ્ચે જ તોડી પાડી હતી.
આ સંદર્ભમાં ૧૫ પાયદળ વિભાગના જનરલ ઑફિસર કમાન્ડિંગ (GOC) મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રિએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘પાકિસ્તાની સેના પાસે કોઈ કાયદેસર લક્ષ્યો નહોતાં એ અમે જાણતા હતા અને અમને અંદાજ હતો કે તેઓ ભારતીય લશ્કરી એસ્ટૅબ્લિશમેન્ટ, સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધાર્મિક સ્થળો પર હુમલા કરશે. આમાં સુવર્ણમંદિર સૌથી અગ્રણી લાગતું હતું. અમે સુવર્ણમંદિર પરના સંભવિત હુમલાનો જવાબ આપવા માટે આખી સિસ્ટમ તૈયાર કરી હતી. પાકિસ્તાને સુવર્ણમંદિરને નિશાન બનાવીને ડ્રોન અને લાંબા અંતરનાં મિસાઇલો સહિતનાં હવાઈ શસ્ત્રો સાથે હવાઈ હુમલો કર્યો હતો. સતર્ક આર્મી ઍર ડિફેન્સ ગનર્સે પાકિસ્તાન આર્મીના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા અને સુવર્ણમંદિરને નિશાન બનાવતાં તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યાં હતાં. પાકિસ્તાને જમ્મુના શંભુ મંદિર, પૂંછના ગુરુદ્વારા અને ક્રિસ્ટિયન કૉન્વેન્ટને પણ નિશાન બનાવ્યાં હતાં.’
આકાશતીર હવાઈ સંરક્ષણની તીક્ષ્ણ ધાર
આકાશતીરને ભારતના હવાઈ સંરક્ષણની તીક્ષ્ણ ધાર કહેવામાં આવે છે. સરકાર એને અદૃશ્ય દીવાલ તરીકે વર્ણવે છે. પાકિસ્તાને ભારતીય લશ્કરી અને નાગરિક વિસ્તારો પર ભયંકર હુમલો કર્યો ત્યારે આ સિસ્ટમે મિસાઇલો અને ડ્રોનના આક્રમણને અટકાવ્યું હતું. આકાશતીર ભારતની સંપૂર્ણપણે સ્વદેશી સ્વચાલિત હવાઈ સંરક્ષણ નિયંત્રણ અને રિપોર્ટિંગ સિસ્ટમ છે જે દરેક આવનારા ગોળાને અટકાવે છે અને એને નિષ્ક્રિય કરે છે. આકાશતીર આર્મીની ઍર ડિફેન્સ (AAD) સિસ્ટમનો મુખ્ય ભાગ છે. એ ઍરફોર્સ અને નૌકાદળ સાથે સરળતાથી જોડાય છે, જે યુદ્ધભૂમિનું સ્પષ્ટ અને વાસ્તવિક સમયનું ચિત્ર બનાવે છે. એ આક્રમક અને રક્ષણાત્મક બન્ને શસ્ત્રોનો ઝડપી અને અસરકારક ઉપયોગ સક્ષમ બનાવે છે. આકાશતીર વાહન પર લઈ જઈ શકાય છે અને ખૂબ જ મોબાઇલ હોવાથી એ ખતરનાક અને સક્રિય યુદ્ધ ઝોનમાં તહેનાત કરવા યોગ્ય છે.