ટર્બ્યુલન્સમાં ફસાયેલી ઇન્ડિગો ફ્લાઇટને પાકિસ્તાને ન આપી મંજૂરી, ૨૨૪ મુસાફરોનો પણ ન કર્યો વિચાર!

23 May, 2025 10:14 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

IndiGo Delhi-Srinagar Flight: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાને ઇન્ડિગો ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી ન આપી; પાઇલટે જીવના જોખમે બચાવ્યો ૨૨૪ મુસાફરોનો જીવ

ટર્બ્યુલન્સમાં ફ્લાઇટનો આગળનો ભાગ (નોઝ કોન) તૂટી ગયો હતો

ભારત (India)માં અનેક રાજ્યોમાં અત્યારે વાતાવારણ ખરાબ છે. જેની અસર વિમાની યાતાયાત (Air Traffic) પર પણ પડી રહી છે. એટલું જ નહીં ભારત-પાકિસ્તાન તણાવ (India-Pakistan Tension)ની અસર પણ વિમાની યાતાયાત પર જોવા મળી રહી છે. બુધવારે ખરાબ હવામાનને કારણે ઇન્ડિગો (IndiGo)ની ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગની જરુર પડી હતી. પરંતુ પાકિસ્તાન (Pakistan)એ તેના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી નહોતી આપી.

બુધવાર ૨૧ મેના રોજ દિલ્હી (Delhi)થી શ્રીનગર (Srinagar) જતી ઇન્ડિગોની ફ્લાઇટ (IndiGo Delhi-Srinagar Flight)માં કરા પડવાના કારણે ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન, પાઇલટે પાકિસ્તાનને તેના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી. જોકે, પાકિસ્તાને ઈનકાર કર્યો હતો.

સૂત્રોએ ગઈકાલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, જ્યારે ઇન્ડિગો ફ્લાઇટ અમૃતસર (Amritsar) ઉપરથી પસાર થઈ રહી હતી, ત્યારે પાઇલટને થોડી ખલેલ અનુભવાઈ હતી અને ખરાબ હવામાનથી બચવા માટે તેણે લાહોર (Lahore) એર ટ્રાફિક કંટ્રોલ (Air Traffic Control - ATC)નો સંપર્ક કર્યો અને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની પરવાનગી માંગી. જોકે, લાહોર એટીસીએ પાઇલટને સ્પષ્ટપણે ના પાડી દીધી, જેના કારણે ફ્લાઇટને તેના નિર્ધારિત રૂટ પર આગળ વધવું પડ્યું. આગળ જતા ફ્લાઈટ ભીષણ ટર્બ્યુલન્સની ઝપટમાં આવી ગઈ. ફ્લાઇટ જોરથી ધ્રુજવા લાગી. આ ફ્લાઇટમાં ૨૨૪ મુસાફરો સવાર હતા. જોરદાર આંચકાઓને કારણે બધા ચીસો પાડવા લાગ્યા.

આ બાબતની જાણ પાઇલટે શ્રીનગર એટીસી (Srinangar ATC)ને જાણ કરી અને ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. લેન્ડિંગ પછી એવું જોવા મળ્યું કે, ફ્લાઇટનો આગળનો ભાગ (નોઝ કોન) તૂટી ગયો હતો.

ફ્લાઇટની અંદરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં લોકો તેમના જીવન માટે પ્રાર્થના કરતા જોઈ શકાય છે. બાળકોના રડવાના અવાજો પણ આવી રહ્યા છે.

ઇન્ડિગોની આ ફ્લાઇટમાં સવાર મુસાફરોમાં તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress)ના પાંચ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પણ મુસાફરી કરી રહ્યું હતું. ટીએમસી સાંસદ સાગરિકા ઘોષ, જે તેમની સાથે હતા, તેમણે કહ્યું, `મને લાગ્યું કે મૃત્યુ નજીક છે. જીવન પૂરું થયું. લોકો ચીસો પાડી રહ્યા હતા અને પ્રાર્થના કરી રહ્યા હતા. અમારા બધાના જીવ બચાવનાર પાઇલટને સલામ.’

આ ઘટના પછી, ઇન્ડિગોએ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે, ‘ફ્લાઇટ 6E 2142ને માર્ગમાં અચાનક કરાવૃષ્ટિનો સામનો કરવો પડ્યો. ફ્લાઇટ અને કેબિન ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું અને ફ્લાઇટનું શ્રીનગરમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. બધા મુસાફરો સુરક્ષિત છે. કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. હાલમાં, શ્રીનગરમાં ફ્લાઇટ નિરીક્ષણ અને જાળવણીનું કાર્ય ચાલી રહ્યું છે. મંજૂરી મળ્યા પછી કામગીરી ફરી શરૂ થશે.’

સૂત્રોએ જણાવ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (Directorate General of Civil Aviation - DGCA) આ મામલાની તપાસ કરી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, ૨૨ એપ્રિલે પહેલગામ (Pahalgam)માં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack)માં થયેલા ૨૬ લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. ૨૪ એપ્રિલના રોજ, પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું. ભારતે પણ પાકિસ્તાની એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (International Civil Aviation Organization - ICAO)ના નિયમો હેઠળ, કોઈપણ દેશ એક મહિનાથી વધુ સમય માટે બીજા દેશ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી શકતો નથી. આવી સ્થિતિમાં, પાકિસ્તાન ફક્ત ૨૩ મે સુધી ભારતીય એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ રાખી શકે છે.

indigo srinagar new delhi ind pak tension india pakistan operation sindoor Pahalgam Terror Attack terror attack airlines news national news news