અમદાવાદમાં યુ.એસ. કૉન્સ્યુલેટ દ્વારા સેમીકન્ડક્ટર રાઉન્ડટેબલ કૉન્ફરન્સનું આયોજન

26 April, 2025 06:59 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Indo-American Chamber of Commerce Semiconductor Roundtable Dialogue: યુ.એસ. કૉન્સ્યુલેટ જનરલ મુંબઈ દ્વારા આયોજિત એક મહત્વપૂર્ણ રાઉન્ડટેબલ સંવાદમાં ગુજરાતના ઉદ્ભવતા ટૅક હબ તરીકેની ભૂમિકા પર વિસ્તૃત ચર્ચા થઈ.

અમદાવાદમાં યુ.એસ. કૉન્સ્યુલેટ જનરલ મુંબઈ દ્વારા આયોજિત રાઉન્ડટેબલ સંવાદ

યુ.એસ. કૉન્સ્યુલેટ જનરલ (U.S. Consulate General) મુંબઈ દ્વારા આયોજિત એક મહત્ત્વપૂર્ણ રાઉન્ડટેબલ સંવાદમાં ગુજરાતના ઉભરતા ટૅક હબ (Tech Hub) તરીકેની ભૂમિકા પર વિસ્તૃત ચર્ચા થઈ. આ કાર્યક્રમ ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઑફ કૉમર્સ (IACC) અને નૉલેજ પાર્ટનર શાર્દુલ અમરચંદ મંગલદાસ ઍન્ડ કં. સાથેના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે 25 એપ્રિલના યોજાયો. સેમીકન્ડક્ટર ક્ષેત્ર (Semiconductor Sector)માં અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સહકાર વધારવાના ઉદ્દેશ સાથે આ ચોથી અને છેલ્લી બેઠક હતી.

આ સંવાદમાં ગુજરાત સરકારના પ્રતિનિધિઓ, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (Gujarat Industrial Development Corporation), શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતો, રોકાણકારો અને સેમીકન્ડક્ટર ઉદ્યોગના હિતધારકોએ આ કૉન્ફરન્સમાં હાજરી આપી. TRUST (Transforming the Relationship Utilizing Strategic Technology) પહેલ હેઠળ બંને દેશોના ટૅક સહયોગ અને વિશ્વસનીય સપ્લાય ચેઇન બનાવવા માટેનો સજાગ સંદેશ અહીં આપવામાં આવ્યો હતો.

અમદાવાદના મેન્યુફેક્ચરિંગ અને રિસર્ચ ઇકોસિસ્ટમ (Ahmedabad`s manufacturing ecosystem), પ્રતિભાશાળી એન્જિનિયરો અને શૈક્ષણિક પ્રતિભાને કારણે તેને સેમીકન્ડક્ટર્સમાં સહયોગ અને રોકાણ માટે અને ભવિષ્યની શોધખોળ માટે એક આદર્શ સ્થળ બનાવ્યો. આ સંવાદે ઉદ્યોગના નેતાઓ અને નીતિ નિર્માતાઓને, વલણો અને વૈશ્વિક ચિપમેકિંગ લૅન્ડસ્કેપમાં ભારતના પદને મજબૂત બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. વિવિધ ઉદ્યોગકારો, શૈક્ષણિક વ્યાખ્યાતાઓ અને ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓએ ઉદ્યોગના નવા ટ્રેન્ડ્સ, પડકારો અને નવી પૉલિસી વિશે આ કૉન્ફરન્સમાં ચર્ચા કરી.

૧૫ જાન્યુઆરીએ મુંબઈમાં, ૨૮ ફેબ્રુઆરીએ નાગપુરમાં અને ૨૭ માર્ચે પુણેમાં યોજાયેલી અગાઉની ત્રણ બેઠકોને પણ ઉદ્યોગ અને મહારાષ્ટ્ર સરકાર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. અમદાવાદમાં યોજાયેલ આ બેઠકમાં સરકાર, શૈક્ષણિક અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સહયોગ વધારવા અને ભારતના સેમીકન્ડક્ટર માર્કેટમાં નેતૃત્વ માટે માળખાકીય સહાયતા આપવાની જરૂરિયાત વિશે પણ ચર્ચા કરવામાં આવી.

મુંબઈના યુ.એસ. કૉન્સ્યુલ જનરલ માઇક હેન્કી (U.S. Consul General Mike Hankey)એ જણાવ્યું, “સેમીકન્ડક્ટર ઉદ્યોગ આધુનિક ઇનોવેશનનો પાયો છે અને અમદાવાદ એવું શહેર છે જ્યાં ઉદ્યોગ, શૈક્ષણિક ક્ષેત્ર અને નીતિ નિર્માતાઓ પ્રગતિ માટે સાથે મળીને કામ કરે છે” તેમણે મિક્રોન (Micron) દ્વારા ગુજરાતમાં કરેલા રોકાણ અને પુણેમાં લેટિસ સેમીકન્ડક્ટર (Lattice Semiconductor)ની નવી રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑફિસના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરતાં ભારત-અમેરિકા વચ્ચેના ઉદ્યોગ સહયોગના વિસ્તરણની પ્રશંસા કરી. તેમણે ધોલેરા સેમીકન્ડક્ટર સિટીની પણ નોંધ લેતાં ઉલ્લેખ કર્યો કે ગુજરાત હવે ભારતમાં સેમીકન્ડક્ટર વિકાસનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.

આ સંપૂર્ણ સેમીકન્ડક્ટર કૉન્ફરન્સનું સમાપન જૂન મહિનામાં મુંબઈમાં એક વિશાળ કાર્યક્રમ દ્વારા થવાનું છે, જ્યાં સેમીકન્ડક્ટર નવીનતાને વેગ આપવા વધુ ચર્ચાઓ થશે અને આ ઉદ્યોગમાં યુએસ-ભારત સહયોગને વિસ્તૃત કરવા માટેના આગામી યોજનાઓ પર સંવાદ થશે.

ahmedabad united states of america pune nagpur mumbai technology news tech news gujarat india national news news