ફોકટ કા સવાલ મત પૂછો અને ઘંટા જેવી ભાષા વાપરનારા મિનિસ્ટર કૈલાશ વિજયવર્ગીય સામે ચોમેર આક્રોશ

03 January, 2026 11:40 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

આ હત્યા જ કહેવાય એમ જણાવીને જિતુ પટવારીએ જવાબદાર લોકો પર ફરિયાદ કરવાની અને પ્રધાન કૈલાશ વિજયવર્ગીયના રાજીનામાની માગણી કરી હતી

બેજવાબદારીભર્યાં નિવેદન માટે કૈલાશ વિજયવર્ગીયના કટઆઉટને કૉન્ગ્રેસના કાર્યકર્તાઓએ ગંદા પાણીમાં બોળ્યું હતું

‍ઇન્દોરમાં દૂષિત પાણીને કારણે થયેલા મૃત્યુને પગલે મધ્ય પ્રદેશના કૉન્ગ્રેસ-અધ્યક્ષ જિતુ પટવારીએ રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે સત્તાનો ઘમંડ, ભ્રષ્ટાચાર અને પ્રશાસનિક લાપરવાહી આ દુર્ઘટના માટે જવાબદાર છે. આ હત્યા જ કહેવાય એમ જણાવીને જિતુ પટવારીએ જવાબદાર લોકો પર ફરિયાદ કરવાની અને પ્રધાન કૈલાશ વિજયવર્ગીયના રાજીનામાની માગણી કરી હતી.

ઇન્દોરના લોકો દૂષિત પાણીને કારણે મરી રહ્યા હતા ત્યારે એક પત્રકારે નગરવિકાસ અને આવાસ પ્રધાન કૈલાશ વિજયવર્ગીયને આ બાબતે સવાલ પૂછતાં તેઓ પત્રકાર પર ભડકી ઊઠ્યા હતા. આ વિશેનો સવાલ પૂછાતાં જ તેમણે કૅમેરાની સામે જ પત્રકારને પૂછ્યું હતું, ‘ફોકટ કા સવાલ મત પૂછો.’ જ્યારે પત્રકારે પૂછ્યું કે આ ફોકટનો સવાલ નથી, હું ત્યાં જઈને આવ્યો છું. ત્યારે તેમણે કહ્યું, ‘ક્યા ક્યા ક્યા ઘંટા હોકર આએ હો?’

આ મામલે પત્રકારે અપશબ્દો વાપરવા બદલ વિરોધ કર્યો તો તેમણે એને પણ ગણકાર્યા વિના ત્યાંથી જતા રહ્યા હતા. એટલું જ નહીં, રાજ્યના લોકો ગંદા પાણીને કારણે મરી રહ્યા હતા ત્યારે કૈલાશ વિજયવર્ગીયએ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને જન્મદિવસની વધાઈ આપવા માટે ખિલખિલાટ હસતી તસવીરો શૅર કરી હતી. સોશ્યલ મીડિયાની આ પોસ્ટ પર પણ કૈલાશ વિજયવર્ગીયનો દાવ લેવાઈ ગયો હતો. કૉન્ગ્રેસે કૈલાસ વિજયવર્ગીયનાં બેજવાબદારીભર્યાં નિવેદનોના વિરોધમાં તેમના કટઆઉટ ફોટોગ્રાફ્સને ગંદા પાણીમાં ડૂબાડ્યા હતા. 

૧૪ મોત, ૧૪૦૦+ બીમાર : પાણીના ૫૦ નમૂનામાંથી ૨૬ ફેલ

દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં દૂષિત પાણીને કારણે લગભગ ૧૪ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૪૦૦થી વધુ લોકો ઝાડા-ઊલટીથી પરેશાન છે અને ઓછામાં ઓછા ૩૨ પેશન્ટ્સ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં સારવાર લઈ રહ્યા છે. ઇન્દોર શહેરમાં વિવિધ સ્થળેથી પાણીના ૫૦ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૨૬ નમૂનાઓ દૂષિત અને હાનિકારક બૅક્ટેરિયા ધરાવતા હોવાનું નોંધાયું હતું. આ મામલે રાજ્ય સરકારે કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ યાદવને પદથી હટાવવામાં આવ્યા છે અને બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. 

૨૦૦ પોપટ મૃત્યુ પામ્યા

મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં નર્મદા નદીના કિનારે ફૂડ-પૉઇઝનિંગને કારણે ૨૦૦ પોપટ મૃત્યુ પામ્યા છે. છેલ્લા ચાર દિવસથી સતત પોપટો મૃત અવસ્થામાં મળી રહ્યા છે. પહેલાં તો સ્થાનિક પ્રશાસનને બર્ડ ફ્લુની આશંકા હતી, પરંતુ મૃત પોપટોનું પોસ્ટમૉર્ટમ કરતાં ખબર પડી હતી કે ફૂડ-પૉઇઝનિંગને કારણે પોપટોના જીવ ગયા છે.

madhya pradesh indore bhopal bharatiya janata party national news news