29 April, 2025 04:32 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય પાડોશી દેશ માટે ખૂબ મોટો ફટકો છે કારણ કે પાકિસ્તાન આર્થિક મોરચે સતત પાછળ રહ્યો છે અને તેની અર્થવ્યવસ્થાનો મોટો ભાગ હજુ પણ ખેતી પર નિર્ભર છે. આ નિર્ણય અંગે પાકિસ્તાનની ચિંતા એટલી વધી ગઈ છે કે શરીફ સરકારે કહ્યું છે કે જો ભારત આવું કરશે તો તેને `ઍક્ટ ઑફ વૉર` ગણવામાં આવશે. હવે આવા તણાવ વચ્ચે, પાકિસ્તાન ભારતના આ નિર્ણયને પડકારવાની યોજના બનાવી રહ્યું છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારના એક મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન ભારત દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય સામે ઓછામાં ઓછા ત્રણ અલગ અલગ કાયદેસર વિકલ્પો પર તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાનના કાયદા રાજ્યમંત્રી અકીલ મલિકના જણાવ્યા અનુસાર, આ ત્રણ વિકલ્પોમાંથી પહેલો એ છે કે પાકિસ્તાન આ મુદ્દો વિશ્વ બૅન્ક સમક્ષ ઉઠાવી શકે છે, જેણે ભારત-પાકિસ્તાન વચ્ચે આ સંધિ લાગુ કરી છે.
પાકિસ્તાની મંત્રીના મતે, બીજા અને ત્રીજા વિકલ્પ તરીકે, પાકિસ્તાન `આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી અદાલત` (International Court of Arbitration) અથવા હેગ (Hague) સ્થિત `આંતરરાષ્ટ્રીય અદાલત` (International Court of Justice, ICJ)માં ભારત વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. ભારત પર આંતરરાષ્ટ્રીય અદાલતમાં 1960ના વિયેના કન્વેન્શન ટ્રીટીઝનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી શકાય છે.
મલિકનું કહેવું છે કે, પાકિસ્તાન સરકાર અને અધિકારીઓ વચ્ચે આ બાબતે કાયદેસર વ્યૂહરચના અંગે ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને સરકાર આ ત્રણમાંથી કયા વિકલ્પ પર આગળ વધવાનો નિર્ણય લે છે અથવા તે એક કરતાં વધુ વિકલ્પો પર આગળ વધવાનો નિર્ણય લે છે, આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. મલિકે કહ્યું કે મારા મતે એક કરતાં વધુ વિકલ્પો પર આગળ વધવાની શક્યતા વધુ છે. પાકિસ્તાન તરફથી આ મુદ્દા પર ઘણો હોબાળો થઈ રહ્યો છે. જ્યારે ભારતના જળ સંસાધન મંત્રાલયના અધિકારીઓને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ બાબતે કોઈ ટિપ્પણી ન કરી.
ઉલ્લેખનીય છે કે ભારતે ગયા અઠવાડિયે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી 1960માં બનેલી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ સંધિમાં ભારત 3 નદીઓનો મોટો હિસ્સો પાકિસ્તાનને આપે છે. આ સંધિ સ્થગિત કરતી વખતે, ભારતે કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન, એક વિશ્વસનીય પાડોશી દેશ તરીકે, સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ભારત આ સંધિ સ્વીકારી શકશે નહીં.
જો કે, પાકિસ્તાને હંમેશની જેમ ભારત દ્વારા લગાવવામાં આવેલા આતંકવાદી આરોપોમાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, ભારત સામે બદલો લેવા માટે પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું એર સ્પેસ બંધ કરી દીધું અને કહ્યું કે જો ભારત દ્વારા સિંધુ નદીનું પાણી રોકવામાં આવશે તો તેને યુદ્ધની શરૂઆત માનવામાં આવશે.