19 May, 2025 09:58 AM IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam terrorist Attack) બાદ, જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)માં આતંકવાદી માસ્ટર અને તેમના મદદગારોને શોધવા માટે એક ખાસ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શોપિયા (Shopian)માં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જ્યાં બે આતંકવાદી મદદગારોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી પિસ્તોલ, ગ્રેનેડ, જીવંત કારતૂસ જેવા હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
શોપિયા પોલીસ (Shopian Police)એ માહિતી આપતા કહ્યું કે, શોપિયાના ડીકે પોરા (DK Pora) વિસ્તારમાં ભારતીય સેના (Indian Army)ની 34RR SOG શોપિયા, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ – સીઆરપીએફ (Central Reserve Police Force - CRPF) 178 બટાલિયનના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદી સાથીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બે મદદગારો પાસેથી બે પિસ્તોલ, ચાર ગ્રેનેડ, ૪૩ જીવંત રાઉન્ડ અને અન્ય વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલમાં, આગળની કાર્યવાહી ચાલુ છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાએ રવિવારે પૂંછ (Poonch) જિલ્લામાં આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે એક વિશાળ કાર્યવાહી શરૂ કરી હતી. સેના અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની મદદથી પોલીસની ઘણી ટીમોએ જિલ્લામાં ૧૮ આતંકવાદી માસ્ટર અને આતંકવાદીઓના મદદગારોના ઘરો પર દરોડા પાડ્યા હતા. આ કામગીરીમાં અનેક ઘરોની શોધખોળ દરમિયાન, ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ સ્થાનિક આતંકવાદી હેન્ડલર્સ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan occupied Kashmir PoK)માં બેસીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ASP મોહન શર્માના નેતૃત્વમાં પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સેનાએ જિલ્લામાં નિયંત્રણ રેખાને અડીને આવેલા મંડી (Mandi) તહસીલના સાવજિયાન સેક્ટર (Sawjian Sector) અને ચંબાર કિનારી (Chambar Kinari) વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ વિસ્તારમાં નિયંત્રણ રેખાની પેલે પાર બેઠેલા સ્થાનિક આતંકવાદીઓ અને તેમના મદદગારો સામે કાર્યવાહી કરતી વખતે, તેમના ઘરો અને છુપાયેલા સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જોકે, આ કાર્યવાહી દરમિયાન કોઈ ધરપકડ કરવામાં આવી નથી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી આતંકવાદ અને આતંકવાદીઓ સામે સરકારની શૂન્ય સહિષ્ણુતા નીતિનો એક ભાગ છે. પરંતુ, સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ અને આતંકવાદી સહાયકોના નામ જાહેર કર્યા નથી જેમના ઘરોની તપાસ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સુરક્ષા એજન્સીઓ નિયંત્રણ રેખા પારથી પૂંછ જિલ્લા અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહેલા આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી શકે છે. અગાઉ પણ જિલ્લામાં બે આતંકવાદીઓની મિલકત જપ્ત કરવામાં આવી છે, જેઓ નિયંત્રણ રેખા પારથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.