22 May, 2025 02:23 PM IST | Chandigarh | Gujarati Mid-day Online Correspondent
જ્યોતિ મલ્હોત્રા (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
હરિયાણાના હિસારમાં રહેતી યુટ્યુબર અને ટ્રાવેલ વ્લોગર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI) ના અધિકારીઓના સંપર્કમાં હોવાની શંકા છે. તેણે ત્રણ વાર પાકિસ્તાનની મુલાકાત પણ લીધી હતી અને પાકિસ્તાની હાઈ કમિશન અને ગુપ્તચર એજન્સી ISI ના અધિકારીઓને મળી હતી. આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી, કેન્દ્રીય એજન્સીઓ જ્યોતિની પૂછપરછ કરી રહી છે.
૩૩ વર્ષીય જ્યોતિ મલ્હોત્રા હિસારથી સ્નાતક છે અને તેના પિતા હરિયાણા પાવર વિભાગમાંથી નિવૃત્ત છે. અહેવાલો અનુસાર, જ્યોતિ ઓછામાં ઓછા ત્રણ પાકિસ્તાની ઓપરેટિવ્સ સાથે સતત સંપર્કમાં હતી. આમાંથી પહેલો સંપર્ક દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનના અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે થયો. દાનિશે જ જ્યોતિના પાકિસ્તાની વિઝાની લેવાની પ્રક્રિયામાં મદદ કરી હતી અને લાહોરમાં તેના રહેવાની વ્યવસ્થા પણ કરી હતી.
જ્યોતિ મલ્હોત્રા અંગે મીડિયામાં અનેક પ્રકારના ભ્રામક સમાચાર પણ ચાલી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને એક વોટ્સએપ ચેટ મળી છે જેમાં જ્યોતિ પાકિસ્તાનમાં લગ્ન કરવાની વાત કરી રહી છે. જો કે, બુધવારે, હિસાર પોલીસે એક નિવેદન બહાર પાડીને મીડિયા અને સોશિયલ મીડિયામાં ફરતા આવા સમાચારોને નકારી કાઢ્યા. પોલીસે કહ્યું કે આ મામલો હજુ તપાસ હેઠળ છે, તેથી મીડિયાએ અપ્રમાણિત સમાચાર પ્રકાશિત કરવાનું ટાળવું જોઈએ.
પોલીસે બેંક ખાતાઓ વિશે શું કહ્યું?
જ્યોતિ મલ્હોત્રાના બેંક ખાતાઓ અંગે પણ દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિના બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયા હતા. હિસાર પોલીસે આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યોતિના 4 બેંક ખાતા છે અને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. પૈસાના વ્યવહાર અંગે હાલમાં કોઈ માહિતી આપી શકાય નહીં.
આતંકવાદી સંગઠન સાથે સંબંધ હોવાના કોઈ પુરાવા નથી
હિસાર પોલીસે એક પ્રેસ નોટ જાહેર કરીને કહ્યું કે આરોપી જ્યોતિ પાકિસ્તાનના કેટલાક ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં હતી. તેને એ પણ ખબર હતી કે આ લોકો પાકિસ્તાની ગુપ્તચર વિભાગના છે. પરંતુ, હજી સુધી એ સાબિત થયું નથી કે તેનો આતંકવાદી સંગઠન સાથે કોઈ સંબંધ છે. તે કોઈ આતંકવાદી ઘટનામાં સામેલ હતી કે નહીં તેની પણ હજી તપાસ ચાલી રહી છે.
ધર્મ પરિવર્તનના સમાચાર ભ્રામક છે
આ સિવાય, જ્યોતિએ કોઈ પાકિસ્તાની અધિકારી સાથે લગ્ન કર્યા હોય કે અન્ય ધર્મ અપનાવ્યો હોય તેવો કોઈ માહિતી પ્રકાશમાં આવી નથી. આરોપી યુટ્યુબર હાલમાં પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે જ્યોતિના ત્રણ મોબાઈલ ફોન, એક લેપટોપ અને કેટલાક અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. આ બધા સાધનોને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.
પોલીસ પાસે જ્યોતિની ડાયરી નથી
પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી, કેટલીક કેન્દ્રીય એજન્સીઓએ જ્યોતિની પૂછપરછ કરી છે. જો કે, તેની કસ્ટડી હજી સુધી અન્ય કોઈ એજન્સીને સોંપવામાં આવી નથી. પોલીસે એમ પણ કહ્યું કે તેની `ડાયરી`ના જે પાના જાહેરમાં બતાવવામાં આવ્યા હતા તે પોલીસે મેળવ્યા નથી. હિસાર એસપીએ સ્પષ્ટપણે કહ્યું કે પોલીસ પાસે આવી કોઈ ડાયરી નથી.