કારગિલ વિજય દિવસ મનાવવા નરેન્દ્ર મોદી લેહના દ્રાસ સેક્ટર પહોંચ્યા ઇતિહાસમાંથી પાકિસ્તાન કંઈ જ શીખ્યું નથી

27 July, 2024 09:22 AM IST  |  Ladakh | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન સામે વિજયના આ દિવસને કારગિલ વિજય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પચીસમા કારગિલ વિજય દિવસના અવસરે લદ્દાખના દ્રાસ સ્થિત કારગિલ વૉર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ‘કારગિલ વિજય દિવસ આપણને જણાવે છે કે રાષ્ટ્ર માટે આપેલું બલિદાન અમર છે. આપણો દેશ તે જવાનોનો ઋણી રહેશે. પાકિસ્તાને જ્યારે પણ કોઈ દુઃસાહસ કર્યું છે ત્યારે એણે પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન આતંકવાદ અને પ્રૉક્સી-વૉર દ્વારા પોતાને પ્રાસંગિક બનાવી રાખવાની કોશિશ કરે છે. પાકિસ્તાન જ્યારે પણ નાપાક કોશિશ કરે છે ત્યારે એને જડબાતોડ જવાબ મળે છે, પણ પાકિસ્તાન ઇતિહાસમાંથી કંઈ શીખતું નથી.’

૧૯૯૯ની ૨૬ જુલાઈએ ઇન્ડિયન આર્મીએ ઑપરેશન વિજયની સફળતા સાથે જ ત્રણ મહિના લાંબા ચાલેલા લદ્દાખના કારગિલ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. પાકિસ્તાન સામે વિજયના આ દિવસને કારગિલ વિજય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.

શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

આ પહેલાં વડા પ્રધાન મોદીએ શિંકુન લા ટનલ યોજનાના ફર્સ્ટ-બ્લાસ્ટ દ્વારા આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજનામાં ૪.૧ કિલોમીટર લાંબી ટ્વિન-ટ્યુબ ટનલ બાંધવામાં આવશે જેનું નિર્માણ હિમાચલ પ્રદેશ-લેહ માર્ગના નિમુ-પદુમ-ધારચા રોડ પર ૧૫,૮૦૦ ફુટની ઊંચાઈ પર કરવામાં આવશે. આ યોજનાથી લેહને દરેક મોસમમાં કનેક્ટિવિટી મળી રહેશે અને આ ટનલ તૈયાર થયા બાદ એ વિશ્વની સૌથી ઊંચી ટનલ બની રહેશે.

national news narendra modi india kargil war kargil ladakh pakistan