મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની પોલીસની બેદરકારીભરી કામગીરીનો ચોંકાવનારો કેસ

30 May, 2026 09:39 AM IST  |  Buldhana | Gujarati Mid-day Correspondent

જેની હત્યાના કેસમાં પપ્પા અને ભાઈને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા તે યુવતી સદેહે પોલીસ-સ્ટેશન પહોંચી

શિવાની બાપુરાવ કલમેકર

મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસની તપાસ પર શંકા ઊભી કરે એવો એક કેસ બહાર આવ્યો છે જેમાં મધ્ય પ્રદેશની આદિવાસી મહિલા શિવાની બાપુરાવ કલમેકર નામની યુવતીની હત્યાના કેસમાં તેના પિતા બાપુરાવ કલમેકર અને ભાઈ અજય કલમેકરની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને બુલઢાણાની જેલમાં પૂરવામાં આવ્યા હતા, પણ ધરપકડના બાવીસ દિવસ બાદ શિવાની ખુદ પોલીસ-સ્ટેશનમાં હાજર થતાં આખો કેસ એકદમ પેચીદો બની ગયો છે.

શિવાની ગુમ થઈ

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાનાં ધારણી તાલુકાના ખારિયા ટેંભ્રુ ગામની રહેવાસી શિવાનીનાં લગ્ન મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાના ખડકી ગામમાં થયાં હતાં. જોકે ૨૪ એપ્રિલે તે ગાયબ થઈ ગઈ હતી.

પરિવારે અઠવાડિયા સુધી તેની તપાસ કર્યા પછી પહેલી મેએ પિતા બાપુરાવ અને ભાઈ અજયે તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે અર્જુન નામનો યુવાન પણ એ જ સમયગાળામાં ગુમ થયો હતો. તેના ગુમ થવાની ફરિયાદ ૯ મેએ લખવામાં આવી હતી. પોલીસ માનતી હતી કે શિવાની અને અર્જુન ભાગી ગયાં હશે.

માથા વિનાની લાશ મળી

શિવાનીનો કોઈ અતોપતો નહોતો ત્યારે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના જળગાવ જામોદમાં એક યુવતીની માથા વિનાની અડધી બળેલી લાશ મળી આવી હતી. આ શિવાનીની હશે એમ માનીને મહારાષ્ટ્ર પોલીસે મધ્ય પ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો અને આ બૉડી શિવાનીની છે એમ માનીને તેના પિતા અને ભાઈને પકડીને જેલમાં પૂરી દીધા. તેઓ બુલઢાણા જેલમાં છે.

શિવાની પાછી આવી

ગુરુવારે ૨૮ મેએ શિવાની અને અર્જુન જળગાવ જામોદ પોલીસ-સ્ટેશનમાં પહોંચ્યાં હતાં અને જણાવ્યું હતું કે હું ૨૪ એપ્રિલે અર્જુન સાથે જતી રહી હતી અને અમે બેઉ જીવિત છીએ, મારા પિતા અને ભાઈને છોડવામાં આવે.

અંગૂઠાના નિશાનના આધારે ઓળખ

મહારાષ્ટ્ર પોલીસે કહ્યું હતું કે તેમણે અંગૂઠાના નિશાનના આધારે શિવાનીની ડેડ-બૉડીની ઓળખ કરી હતી. જોકે હવે મોટો સવાલ એ છે કે પોલીસ જેને શિવાનીની ડેડ-બૉડી માની રહી હતી તે યુવતી કોણ હતી?

maharashtra madhya pradesh national news news