ગૃહ મંત્રાલયે કોરોનાની ગાઈડલાઈન્સ ૩૧ ઓગસ્ટ સુધી લંબાવી

28 July, 2021 06:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

MHAનો સ્પષ્ટ નિર્દેશ: સખ્તાઈ યથાવત રાખો

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેરનું જોર ધીર-ધીરે ઘટતું જાય છે. એક સમયે દરરોજ ત્રણથી ચાર લાખ કેસ નોંધાતા હતા. જ્યારે આજે દરરોજ ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ની વચ્ચે કેસ નોંધાય છે. કોરોનાની બીજી લહેરમાં રાહત મળતા મોટાભાગના રાજ્યોમાં લૉકડાઉનના નિયંત્રણો દુર કરીને અનલૉક પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. જોકે, નિયંત્રણો સંપૂર્ણપણે હળવા નહોતા કરાયા. આ દરમિયાન ગૃહ મંત્રાલય (MHA)એ કોરોના ગાઈડલાઈન્સ ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધી લંબાવી છે. MHAનો સ્પષ્ટ નિર્દેશ છે કે, સખ્તાઈ યથાવત રાખો.

ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલા આદેશમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે, કોરોના ગાઈડલાઈન્સ ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે.

કોરોના વાયરસ સામેની પ્રતિરક્ષા અંગેના જિલ્લા કક્ષાના ડેટા એકઠા કરવા માટે તમામ રાજ્યોને ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની સલાહ લઈને સીરો સર્વે કરવાની સલાહ ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં ૪૩,૬૫૪ નવા કેસ નોંધાયા છે અને ૬૪૦ લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. તેમજ ૪૧,૬૭૮ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યારે દેશમાં ૩,૯૯,૪૩૬ એક્ટિવ કેસ છે.

national news coronavirus covid19 home ministry