માનવસેવાની જ્યોત મુંબઈથી કર્ણાટક સુધી

30 May, 2026 09:55 AM IST  |  Hubballi | Gujarati Mid-day Correspondent

કર્ણાટક યુનિવર્સિટીએ સમાજસેવાને જીવન સમર્પિત કરનારા કચ્છી લોહાણા જિતેન્દ્ર મજેઠિયાને ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કર્યા

જિતેન્દ્ર મજેઠિયા

હુબલીસ્થિત મજેઠિયા ફાઉન્ડેશનના સ્થાપક, સામાજિક કાર્યકર અને દાનવીર જિતેન્દ્ર મજેઠિયાને કર્ણાટક યુનિવર્સિટી ધારવાડ દ્વારા એપ્રિલ ૨૦૨૬ના તેમના ૭૫મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.

આ સન્માન સંદર્ભે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જિતેન્દ્રભાઈએ કહ્યું હતું કે ‘હજારો વિદ્યાર્થીઓની હાજરીમાં સન્માનિત થવાનો સૌથી વધુ આનંદ છે. નવી પેઢીમાં સમાજસેવાનાં બી રોપાય અને તેઓ આ કાર્યને આગળ વધારશે એવી આશા છે. આ સન્માન માત્ર મારું નહીં, મજેઠિયા ફાઉન્ડેશન સાથે જોડાયેલા તમામ લોકોનું છે. ૨૦૦૮થી નૉર્થ કર્ણાટકમાં અમારી સંસ્થા માનવસેવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા આપી રહી છે. આરોગ્ય અને શિક્ષણ અમારું મુખ્ય ફોકસ છે. આર્થિક રીતે પછાત વર્ગના લોકોનું જીવનધોરણ સુધરે એ અમારો હેતુ છે. ફાઉન્ડેશન આરોગ્ય જાગૃતિ, મેડિકલ કૅમ્પ જેવી અનેક પ્રવૃત્તિઓ કરે છે. રોજગાર માર્ગદર્શન, ઇન્ટરવ્યુની તૈયારી અને પ્લેસમેન્ટ સહાય જેવી સેવાઓ પણ આપવામાં આવે છે. આ સન્માન સામાજિક સેવા, આરોગ્ય અને જનકલ્યાણ ક્ષેત્રે આપેલા યોગદાન બદલ આપવામાં આવ્યું હતું. પચાસ વર્ષ અગાઉ મુંબઈથી હુબલી આવ્યો ત્યારથી માનવસેવાનાં કાર્યો સાથે જોડાયેલો છું. ફાઉન્ડેશનની સ્થાપના તો ઘણી મોડી કરી. મુંબઈચા ગુજરાતી મુલગાએ કર્ણાટકને કર્મભૂમિ બનાવી અને કન્નડિગા બની ગયો.’

મુંબઈમાં જન્મ્યા

૧૯૪૯ની પહેલી ઑક્ટોબરે મુંબઈમાં જન્મેલા કચ્છી લોહાણા સમાજના જિતેન્દ્રભાઈએ તેમની યાત્રા વડાલાની હૉસ્ટેલથી શરૂ કરી હતી. જીવનનાં શરૂઆતનાં પચીસ વર્ષ મુંબઈમાં રહ્યા. ૧૯૭૦માં સિડનહૅમ કૉલેજથી BComનો અભ્યાસ કર્યા પછી તેઓ ચાર્ટર્ડ અકાન્ટન્સી (CA)ની તૈયારી કરતા હતા. આર્ટિકલશિપ પૂરી કર્યા બાદ રાજકીય અને સામાજિક કાર્યો સાથે જોડાણ વધતાં CAનો અભ્યાસ અધૂરો રહી ગયો. ડેસ્ટિની તેમને કર્ણાટકના હુબલી લઈ ગઈ. વ્યાવસાયિક પ્રગતિની સાથે-સાથે સામાજિક કાર્યોમાં સક્રિય રહીને અનેક જરૂરિયાતમંદ લોકો માટે આશાનું કેન્દ્ર બન્યા. ૨૦૦૮માં મજેઠિયા ફાઉન્ડેશનની સ્થાપના કરી. તેમના માર્ગદર્શનમાં અંતિમ તબક્કાના કૅન્સરના દરદીઓ માટે હૉસ્પિટલ અને પૅલિયેટિવ કૅર જેવી સેવાઓ શરૂ કરવામાં આવી છે. એમાં દરદીઓને સન્માનપૂર્વક અને માનવીય સ્પર્શ સાથે આશ્રય આપવામાં આવે છે. છેલ્લાં ૧૩ વર્ષથી દિવ્યાંગોને કૃત્રિમ અંગો અને સાધનો પૂરાં પાડીને પગભર થવામાં મદદ કરી છે. સંસ્થા ગ્રામીણ મહિલાઓના ઉત્કર્ષ માટે પણ કામ કરે છે. સ્ટુડન્ટ અડૉપ્શન પ્રોગ્રામ હેઠળ ૪૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. તેમની નિ:સ્વાર્થ સેવાની નોંધ લઈને કર્ણાટક સરકારે ૨૦૨૪માં તેમને રાજ્યોત્સવ સિનિયર સિટિઝન અવૉર્ડ આપ્યો હતો. તેમની લાંબી સામાજિક અને વ્યાવસાયિક સફરને માન આપીને કર્ણાટક યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરેટ એનાયત કરવામાં આવી છે. ગયા વર્ષે તેમને શ્રી લોહાણા મહાપરિષદ ઇન્ટરનૅશનલ અવૉર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. છેલ્લાં પચાસ વર્ષથી તેઓ હુબલીમાં સ્થાયી છે. 

mumbai karnataka gujaratis of mumbai kutchi community gujarati community news national news news