18 May, 2025 09:14 AM IST | Kargil | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાશ્મીરના કારગિલમાં બૉર્ડર પરના છેલ્લા ગામ હુંદરબનની હોટેલમાં પુત્રને મૂકીને રહસ્યમય રીતે ગાયબ થનારી નાગપુરની મહિલાની ઓળખ થઈ ગઈ છે. કારગિલ પોલીસે હોટેલમાંથી મળી આવેલા પુત્રની પૂછપરછ કરીને તેના નાગપુરમાં રહેતા પરિવારનો સંપર્ક કર્યો હતો. એમાં જણાઈ આવ્યું છે કે ૪૩ વર્ષની સુનીતા જામગડેના છૂટાછેડા થઈ ગયા હોવાથી તે નાગપુરના સંત કબીરનગરમાં પુત્ર અને માતા-પિતા સાથે રહે છે. તે અગાઉ એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં નર્સ હતી. ૧૪ મેએ સુનીતા ૧૨ વર્ષના પુત્રને લઈને નાગપુરથી કાશ્મીર ગઈ હતી. કારગિલના હુંદરબન ગામની હોટેલમાં થોડી વારમાં પાછી આવું છું એવું પુત્રને કહીને મહિલા ગઈ હતી. ત્યારથી આ મહિલાનો પત્તો નથી લાગી રહ્યો.
સૂત્રોના જણાવ્યા મુજબ સુનીતા કેટલાક સમયથી પાકિસ્તાનમાં રહેતા એક ધર્મગુરુના સંપર્કમાં હતી. ઑનલાઇન પ્રવચન સાંભળીને સુનીતા આ ધર્મગુરુથી પ્રભાવિત થઈ હશે. તે ધર્મગુરુને મળવા માગતી હતી, પણ તેની પાસે પાસપોર્ટ કે વીઝા નહોતા એટલે સીધી રીતે પાકિસ્તાન જઈ શકે એમ નહોતી એટલે તેણે પહેલાં બે વખત પંજાબની અટારી બૉર્ડરથી પાકિસ્તાનમાં જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતના જવાનોએ સુનીતાને બૉર્ડર પાસે જોઈ લેતાં તેને પાછી મોકલી હતી. સુનીતા કારગિલ પાસેથી બૉર્ડર ક્રૉસ કરીને પાકિસ્તાનમાં પહોંચી હોવાની શક્યતા છે. કેટલાક પાકિસ્તાની નાગરિકોએ સુનીતાને બૉર્ડર પાસે જોઈ હોવાથી તેને તાબામાં લેવામાં આવી હોવાની શક્યતા છે. જોકે આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી નથી મળી.
સુનીતાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેની નાગપુરમાં કેટલોક સમય સારવાર કરવામાં આવી હોવાનું તેની માતાએ પોલીસને કહ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારની સિક્યૉરિટી યંત્રણાએ તાત્કાલિક તપાસ શરૂ કરી છે. નાગપુરની કપિલનગર પોલીસે સુનીતાના પુત્રને નાગપુર પાછો લાવવા માટે લદ્દાખ પ્રશાસનનો સંપર્ક કર્યો છે.