22 December, 2025 02:57 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ફાઇલ તસવીર
આજે સોમવારે ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ, દિલ્હી હાઈકોર્ટ (Delhi High Cour) એ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસ (National Herald money laundering case) માં કોંગ્રેસ (Congress) નેતાઓ સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (Rahul Gandhi) અને અન્ય આરોપીઓને નોટિસ ફટકારી હતી. રાઉઝ એવન્યુ કોર્ટ (Rouse Avenue Court) એ આ કેસમાં રાહુલ અને સોનિયા ગાંધી સામે ચાર્જશીટ પર કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) એ તેને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
નેશનલ હેરાલ્ડ કેસ (National Herald Case) માં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગ ફરિયાદની નોંધ લેવાનો ઇનકાર કરવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની અરજી પર દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા.
દિલ્હી હાઈકોર્ટે આગામી વર્ષ માટે સુનાવણીની તારીખ નક્કી કરી છે.
દિલ્હી હાઈકોર્ટે EDની અરજી મંજૂર કરી છે અને આગામી સુનાવણીની તારીખ ૧૨ માર્ચ, ૨૦૨૬ નક્કી કરી છે. દિલ્હી હાઈકોર્ટમાં EDનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેમની દલીલોમાં જણાવ્યું હતું કે, અંતિમ નિષ્કર્ષ એ છે કે આરોપીઓએ ૫૦ લાખ રુપિયાની રકમના બદલામાં ૨,૦૦૦ કરોડ રુપિયાની સંપત્તિ મેળવી છે.
મહેતાએ જણાવ્યું હતું કે, જૂન ૨૦૧૪ માં એક વ્યક્તિ દ્વારા ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેની નીચલી અદાલત દ્વારા નોંધ લેવામાં આવી હતી અને બાદમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો હતો.
ચાર્જશીટમાં અનેક અગ્રણી વ્યક્તિઓના નામનો સમાવેશ થાય છે.
ED એ તેની ચાર્જશીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા, સુમન દુબે, સુનિલ ભંડારી, યંગ ઇન્ડિયન અને ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડના નામ આપ્યા છે. કોંગ્રેસ પક્ષે દલીલ કરી હતી કે, ED ની તપાસ રાજકીય બદલો લેવાની રણનીતિ હતી. જ્યારે ED એ દાવો કર્યો હતો કે તે એક ગંભીર આર્થિક ગુનો હતો જેમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના પુરાવા મળી આવ્યા હતા.
ED નો આરોપ છે કે કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ખાનગી કંપની "યંગ ઇન્ડિયન" દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની ૨,૦૦૦ કરોડ રુપિયાની સંપત્તિ ફક્ત ૫૦ લાખ લાખમાં હસ્તગત કરવાનું કાવતરું ઘડ્યું હતું. સોનિયા અને રાહુલ કંપનીના ૭૬ ટકા શેર ધરાવે છે.
આ કેસમાં "ગુનાની આવક" ૯૮૮ કરોડ રુપિયા અંદાજવામાં આવી હતી. સંકળાયેલ સંપત્તિઓનું બજાર મૂલ્ય ૫,૦૦૦ કરોડ રુપિયા અંદાજવામાં આવ્યું છે.
નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, તે નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત છે. તેની સ્થાપના વર્ષ ૧૯૩૮ માં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) એ ૫,૦૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે મળીને કરી હતી. આ અખબાર AJL દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેને વર્ષ ૨૦૦૮ માં બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેના સંપાદનને લગતા વિવાદ અને કૌભાંડો સામે આવવા લાગ્યા.