11 June, 2026 09:51 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઑપરેશન સિંદૂર બાદ ભારતની ગતિવિધિ પર નજર રાખવા માટે પાકિસ્તાને ચીનની મદદથી ૧૬ મહિનામાં અડધો ડઝન સૅટેલાઇટ લૉન્ચ કરી છે. આ ૬ સૅટેલાઇટ આકાશમાંથી ભારતની ભૂમિ પર નજર રાખી રહી છે. આના પગલે ભારતને ખતરો થયો છે.
પાકિસ્તાનમાં ૧૯૬૧માં સ્પેસ ઍન્ડ અપર ઍટમોસ્ફિયર રિસર્ચ કમિશન (SUPARCO)ની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યાર બાદ પાકિસ્તાને ઘણા દાયકાઓમાં ફક્ત થોડી જ સૅટેલાઇટ લૉન્ચ કરી હતી. છતાં જાન્યુઆરી ૨૦૨૫ અને એપ્રિલ ૨૦૨૬ વચ્ચે એણે ૬ નવી સૅટેલાઇટ લૉન્ચ કરી છે જેમાં ઑપ્ટિકલ ઇમેજિંગ, હાઇપરસ્પેક્ટ્રલ અને રિમોટ-સેન્સિંગ પ્લૅટફૉર્મનો સમાવેશ થાય છે.
રસપ્રદ વાત એ છે કે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં પહલગામ હુમલા અને ભારત દ્વારા શરૂ કરાયેલા ઑપરેશન સિંદૂર પહેલાં આ સૅટેલાઇટ લૉન્ચની શરૂઆત થઈ હતી. નિષ્ણાતો કહે છે કે મહત્ત્વ ફક્ત સૅટેલાઇટની સંખ્યામાં જ નહીં, તેઓ સામૂહિક રીતે શું કરી શકે છે એમાં પણ રહેલું છે.
અવકાશ અને સંરક્ષણનિષ્ણાતો દલીલ કરે છે કે આ સૅટેલાઇટો પાકિસ્તાનને ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી લશ્કરી તહેનાતી, માળખાગત વિકાસ અને વ્યૂહાત્મક પ્રવૃત્તિનું વધુ સ્પષ્ટ ચિત્ર આપી શકે છે.
પાકિસ્તાન આર્મી એવિયેશનનું એક Mi-17 હેલિકૉપ્ટર પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)ના મુઝફ્ફરાબાદ નજીક ક્રૅશ થયું હતું, જેમાં સવાર તમામ ૨૧ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. હેલિકૉપ્ટર PoKના નીલમ ખીણ સેક્ટરમાં વધારાના સૈનિકોને લઈને જઈ રહ્યું હતું ત્યારે ટેક-ઑફ દરમ્યાન એમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. હેલિકૉપ્ટરે ઇમર્જન્સી લૅન્ડિંગનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયો હતો જેને કારણે એ ક્રૅશ થયું હતું અને કોઈ બચ્યું નહોતું. અકસ્માત સમયે હેલિકૉપ્ટરમાં સવાર પાકિસ્તાનના સુરક્ષાદળોના સભ્યોનો પણ ભોગ બનેલા લોકોમાં સમાવેશ થાય છે.
મહિલાઓની સુરક્ષા માટે તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયે સિંગપ્પેન યુનિટ શરૂ કર્યું છે. આ યુનિટ ડ્રોનનો ઉપયોગ કરીને પૅટ્રોલિંગ કરનારું ભારતમાં પ્રથમ યુનિટ બની રહેશે. તામિલનાડુમાં મહિલાઓની સુરક્ષા વધારવાના હેતુથી રચાયેલો આ સંપૂર્ણપણે મહિલા પોલીસ એકમ છે. આ પહેલ માટે ૩૫૪ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરતાં મુખ્ય પ્રધાને સ્પેશ્યલ ફોર્સ માટે સ્પેશ્યલ પૅટ્રોલિંગ વ્હીકલ્સને પણ લીલી ઝંડી આપી હતી. વિજયે ઉમેર્યું હતું કે ‘ભારતમાં પહેલી વાર મહિલાઓની સુરક્ષા માટે સ્પેશ્યલ યુનિટ દ્વારા ડ્રોન-આધારિત પૅટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. મુશ્કેલીમાં ફસાયેલી મહિલા કૉલ કરશે એટલે તાત્કાલિક તેને સહાય પૂરી પાડવામાં આવશે.’
પાકિસ્તાનની વાયુસેનાએ અફઘાનિસ્તાનના કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં ઘાતક હુમલા કર્યા હતા જેમાં ૧૧ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૩ નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં. અફઘાનિસ્તાન સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાનની સરહદ પાસેના વિસ્તારમાં થયેલા હુમલામાં અન્ય ૧૪ મહિલાઓ અને બાળકો ઘાયલ થયાં હતાં. તાલિબાને આ હુમલાઓને અફઘાનિસ્તાની સંપ્રભુતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાવ્યું હતું. પાકિસ્તાનનું કહેવું છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરીને પાકિસ્તાની તાલિબાન પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા કરાવે છે એટલે આતંકવાદ નાથવા માટે તેમણે આ હુમલો કર્યો હતો.
ગાંજાનું ખેતર હોય એવો માહોલ સર્જાયો, ૩૭,૧૫,૫૦૦ રૂપિયાના જથ્થા સાથે એક આરોપીની થઈ ધરપકડ
વલસાડના સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ (SOG)એ પારડી તાલુકામાંથી ગાંજાના એકસાથે ૧૮ છોડ પકડી પાડતાં ગાંજાનું ખેતર ઝડપાયું હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.
વલસાડના SOGએ મળેલી બાતમીના આધારે પારડી તાલુકાના સરોધી ગામના બરવાળી ફળિયાના એક ખેતરમાં ગાંજાનું વાવેતર કરનાર માની ગામના મંદિર ફળિયામાં રહેતા આરોપીને ઝડપી લીધો હતો. ખેતરમાંથી ૩૭,૧૫,૫૦૦ રૂપિયાના ગાંજાના ૧૮ છોડ કબજે કરવામાં આવ્યા હતા.