27 November, 2026 12:02 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બિહારના મધુબની જિલ્લામાં બુધવારે ૨૫ નવેમ્બરે વહેલી સવારે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમે સ્થાનિક મૌલાના ઇઝહારુલ હકના ઘરે દરોડા પાડ્યા હતા. એમાં એજન્સીએ ઘરની તલાશી લેવા ઉપરાંત તેના પરિવારજનોની પણ પૂછપરછ કરી હતી. સુરક્ષા-વ્યવસ્થા કડક હોવાથી કોઈને આસપાસ ફરકવા દેવાયા નહોતા. જોકે NIAએ આ કાર્યવાહી વિશે હજી સત્તાવાર માહિતી આપી નથી.
૫૬ વર્ષીય ઇઝહારુલ હક ચાર મહિના પહેલાં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે મધ્ય પ્રદેશ ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને બિહાર ATSની સંયુક્ત ટીમે રાષ્ટ્રવિરોધી તથા કટ્ટરપંથી પ્રવૃત્તિઓની શંકામાં મધુબનીથી તેની ધરપકડ કરી હતી. બાદમાં તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ભોપાલ લઈ જવાયો હતો. તે મધુબનીમાં મદરેસા ચલાવી અમુક બાળકોને ભણાવતો હતો. ભોપાલમાં શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ ફિરોઝ પર નજર રાખતાં મધ્ય પ્રદેશ ATSને એક વૉટ્સઍપ ગ્રુપની જાણ થઈ હતી. એમાં ઇઝહારુલ ઉપરાંત અલવરનો શાકિર, દેવબંદનો નઈમ, ભોપાલનો ફરાઝ અને ધારનો હાજી અહમદ સહિત છ શંકાસ્પદો જોડાયેલા હતા. આ ટોળકી મદરેસા મારફત દેશવિરોધી પ્રવૃત્તિ કરતી હોવાની આશંકા છે. ઇઝહારુલ કર્ણાટક, મુંબઈ અને નેપાલમાં બેઠકો કરતો હોવાનું તથા નેપાલ મારફત પાકિસ્તાન સિમ કાર્ડ મોકલતો હોવાની પણ ચર્ચા છે. ઉપરાંત તાજેતરમાં તેણે ઘરના લગ્નપ્રસંગે હેસિયત કરતાં વધુ ખર્ચ કર્યો હતો.