ભારતમાં બે કન્ફર્મ ઑમિક્રૉન પેશન્ટ્સમાંથી એક ઇન્ડિયા છોડી ગયો

03 December, 2021 09:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ સંક્રમિત વ્યક્તિ ૨૦ નવેમ્બરે ઇન્ડિયામાં આવ્યો હતો અને એના ૭ દિવસ પછી દુબઈ જતો રહ્યો હતો

સમગ્ર દેશમાં ઑમિક્રૉનના ખતરાના કારણે તમામ ઍરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓની ટેસ્ટ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ગઈ કાલે સરદાર વલ્લભભાઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ખાતે એક હેલ્થવર્કર એક ફૉરેન ટ્રાવેલરના સ્વૉબ સૅમ્પલ કલેક્ટ કરી રહ્યો છે.

ભારતમાં પણ આખરે ઑમિક્રૉનની એન્ટ્રી થઈ ગઈ છે. કર્ણાટકમાં કોરોનાના આ વેરિઅન્ટના બે કેસ ડિટેક્ટ થયા છે. કેન્દ્ર સરકારે ગઈ કાલે આ માહિતી આપવાની સાથે જ લોકોને પેનિક ન કરીને કોરોનાને ફેલાતો રોકવા માટેના નિયમોનું પાલન કરવા અને ડિલે કર્યા વિના વૅક્સિનનો ડોઝ લેવા જણાવ્યું છે. ઑમિક્રૉન પૉઝિટિવ આ બંને મેલ પેશન્ટ્સમાંથી એકની ઉંમર ૬૬ વર્ષ જ્યારે બીજાની ઉંમર ૪૬ વર્ષ છે. બંનેમાં હ‍ળવાં લક્ષણો છે. 
૬૬ વર્ષનો આ સંક્રમિત વ્યક્તિ ૨૦ નવેમ્બરે ઇન્ડિયામાં આવ્યો હતો અને એના ૭ દિવસ પછી દુબઈ જતો રહ્યો હતો. બૅન્ગલોરના મ્યુનિસિપલ કૉર્પોરેશન અનુસાર સાઉથ આફ્રિકાથી આવેલ આ વ્યક્તિ ૨૦ નવેમ્બરે કોરોનાનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ લઈને આ સિટીના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આવ્યો હતો. એણે વૅક્સિનના બંને ડોઝ લીધા હતા. ઇન્ડિયામાં આવ્યા બાદ તે એ જ દિવસે હોટેલમાં રોકાયો હતો અને તેની કોરોના ટેસ્ટ્સ પૉઝિટિવ આવી હતી. ગવર્નમેન્ટ ડૉક્ટરે હૉસ્પિટલમાં તેની વિઝિટ કરી હતી ત્યારે તેનામાં કોઈ લક્ષણો જોવાં નહોતાં મળ્યા અને તેને એ જ હોટેલમાં આઇસોલેટ થવાની સલાહ આપવામાં આવી હતી. ૨૨ નવેમ્બરે ફરી તેનાં સૅમ્પલ્સ કલેક્ટ કરીને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. 
બૅન્ગલોરમાં બીજો પેશન્ટ એક હેલ્થ વર્કર છે. ૨૧ નવેમ્બરે તેને તાવ આવ્યો હતો અને શરીરમાં દુઃખાવો થયો હતો. બીજા દિવસે તે પૉઝિટિવ આવ્યો હતો અને તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. એ જ દિવસે જિનોમ સિક્વન્સિંગ માટે તેનાં સૅમ્પલ્સને મોકલવામાં આવ્યાં હતા. જોકે ત્રણ દિવસ બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. 
ચિંતાની વાત એ છે કે ૨૨થી ૨૫ નવેમ્બર દરમિયાન ત્રણ પ્રાઇમરી અને બે સેકન્ડરી કૉન્ટેક્ટ્સની ટેસ્ટ્સ પૉઝિટિવ આવી હતી. એ પાંચેયને આઇસોલેટ કરાયા છે. હજી સુધી એ સ્પષ્ટ નથી કે તેઓ પણ ઑમિક્રૉનથી સંક્રમિત છે કે નહીં. કુલ ૧૩ પ્રાઇમરી અને ૨૦૫ સેકન્ડરી કૉન્ટેક્ટ્સનાં ટેસ્ટ્સ કરવામાં આવ્યાં છે. 

coronavirus covid19 national news