19 May, 2025 07:54 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અજિત ડોભાલ (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)
પહલગામ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને સજા આપવા માટે ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલા ઑપરેશન સિંદૂર (Operation Sindoor) અંગે ઘણા મહત્ત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે. આ ઑપરેશનમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. અહેવાલો અનુસાર, આ સમગ્ર કામગીરી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી. સેનાને આતંકવાદીઓના છુપાયેલા સ્થળો વિશે ગુપ્ત માહિતી આપવામાં આવી હતી. તે માહિતીના આધારે, સેનાએ પોતાની રણનીતિ તૈયાર કરી અને આતંકવાદીઓના ઠેકાણાને નિશાન બનાવી હુમલા કર્યા. આ હુમલામાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ઑપરેશનના થોડા સમય પહેલા ટાર્ગેટ્સ બદલાયા
પરંતુ, આ ઑપરેશન વિશે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. અહેવાલ અનુસાર, બધી ગુપ્ત માહિતી એનએસએ ( National Security Advisor) અજિત ડોભાલ પાસે હતી. આ વાત અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. આ કામગીરી સાથે સંકળાયેલા ઘણા મહત્ત્વપૂર્ણ લોકોને પણ આ વાતની જાણ નહોતી. રિપોર્ટ અનુસાર, ઑપરેશન સિંદૂર શરૂ કરતા થોડી મિનિટો પહેલા અજિત ડોભાલે હુમલાના ટાર્ગેટ્સ બદલી નાખ્યા હતા. સેનાએ ફક્ત ડોભાલ દ્વારા પૂરા પાડવામાં આવેલા નવા લક્ષ્યો પર જ હુમલો કર્યો અને સેંકડો આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
ઑપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ માત્ર 25 મિનિટમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan Occupied Kashmir PoK)માં નવ સ્થળો પર હુમલો કર્યો. આ હુમલામાં ઘણા કુખ્યાત આતંકવાદીઓ માર્યા ગયા. કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરનો આખો પરિવાર માર્યો ગયો હતો. તેના પરિવારના 14 સભ્યો માર્યા ગયા. આ પછી, પાકિસ્તાની સેનાએ ભારતના ઘણા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ ભારતે તેની મજબૂત ઍર ડિફેન્સ સિસ્ટમની મદદથી, દરેક હુમલાને હવામાં જ નિષ્ફળ બનાવ્યો. ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનની આ કાર્યવાહીનો જવાબ આપ્યો અને બ્રહ્મોસ મિસાઇલોથી તેના ઘણા લશ્કરી એરપોર્ટનો નાશ કર્યો.
કોણ છે અજિત ડોભાલ?
અજિત ડોભાલ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ લોકોમાંના એક છે. ડોભાલે પોતાના કરિઅરમાં અનેક મહત્ત્વના કામ કર્યા છે. તેમણે રમખાણો અટકાવવાની સાથે-સાથે કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવામાં ભૂમિકા ભજવી અને તબલીગી જમાતના મરકઝને ખાલી કરાવ્યો. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના ઑપરેશન સિંદૂરમાં પણ તેમની ભૂમિકા છે. ડોભાલને હંમેશથી એક `ઑપરેશન મેન` માનવામાં આવે છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના ઑપરેશન સિંદૂરમાં ડોભાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સતત બેઠકો કરી. ઑપરેશન પહેલા અને પછી પણ ડોભાલની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સતત અનેક મુલાકાતો જણાવે છે કે પાકિસ્તાન પર હજી વધુ મોટી કાર્યવાહી થઈ શકે છે.