22 May, 2025 07:02 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે થયેલા તણાવ (India-Pakistan Conflict)ને કારણે હાથ ધરાયેલા ભારતીય સેના (Indian Army)ના `ઓપરેશન સિંદૂર` (Operation Sindoor) પર ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરાયેલા હરયાણા (Haryana)ની અશોકા યુનિવર્સિટી (Ashoka University)ના એસોસિયેટ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદ (Ali Khan Mahmudabad)ને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કથિત વાંધાજનક પોસ્ટના સંદર્ભમાં પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે, કોર્ટે મહમૂદાબાદને કડક ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, તમારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે પ્રોફેસર પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદના `ઓપરેશન સિંદૂર` અંગેના સોશ્યલ મીડિયા પોસ્ટ પર શબ્દોની પસંદગી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, ‘આવા શબ્દોનો ઉપયોગ બીજાઓનું અપમાન કરવા અને તેમને અસ્વસ્થતા પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. જોકે દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે, પરંતુ હવે આવી ટિપ્પણી કેમ કરવામાં આવી?’
સુપ્રીમ કોર્ટે હરિયાણાના ડીજીપીને પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદ સામેના કેસની તપાસ માટે આઈજી રેન્કના અધિકારીની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ - એસઆઈટી (Special Investigation Team – SIT) બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે મહમૂદાબાદને ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર વધુ કોઈપણ ઓનલાઈન પોસ્ટ લખવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
ઓપરેશન સિંદૂર પર ટિપ્પણી કરવાના કેસમાં ધરપકડ થયા બાદ, સોનીપતની અશોકા યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદ સોમવારે રાહત માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. અલી ખાને તેમની ધરપકડને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમના વતી વહેલી સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી જેના પર કોર્ટે કેસને ટૂંક સમયમાં સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાની ખાતરી આપી હતી. અલી ખાને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં તેમની ધરપકડ ખોટી ગણાવી હતી. સોમવારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ (Kapil Sibal)એ મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ (BR Gavai) અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહ (Augustine George Masih)ની બેન્ચ સમક્ષ અરજીનો ઉલ્લેખ કર્યો હતો. સિબ્બલે કહ્યું હતું કે, દેશભક્તિના નિવેદનો આપવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મંગળવારે, પ્રોફેસર અલી ખાન મહમુદાબાદના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આઝાદ સિંહની કોર્ટે તેમને સાત દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રોફેસર અલી ખાન મહેમૂદાબાદની ધરપકડ એક મોટો મુદ્દો બની ગયો છે. સોશ્યલ મીડિયા પર તેમને સમર્થન મળી રહ્યું છે. ૧૧૦૦થી વધુ લોકોએ તેમની મુક્તિની માંગ કરતી અરજી પર હસ્તાક્ષર કર્યા છે. સુપ્રીમ કોર્ટમાં પણ આ જ અરજી દાખલ કરવામાં આવી છે.