પાકિસ્તાનનો પર્દાફાશ કરનાર પ્રતિનિધિમંડળ સાથે વિદેશ જવા નથી તૈયાર યુસુફ પઠાણ!

19 May, 2025 11:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Operation Sindoor: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણે સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે જવાનો ઇનકાર કર્યો; ભારતે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ઉજાગર કરવા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોની ટીમો બનાવી છે

TMCના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ

પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) પછી ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે થયેલા વિવાદ (India-Pakistan Conflicts)માં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)થી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓની કમર તોડી નાખી છે અને આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાએ ૧૦૦ થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. હવે ભારત તેની નવી યોજના હેઠળ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને ઉઘાડું પાડવાની તૈયારી કરી છે. ભારત સરકાર વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે `ઝીરો ટોલરન્સ` ના સંદેશને મજબૂત બનાવવા માટે આ મહિનાના અંતમાં મુખ્ય ભાગીદાર દેશોમાં સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો (All-Party Delegations) મોકલશે. ભારતે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે અનેક દેશોમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party - BJP) અને કોંગ્રેસ (Congress) ઉપરાંત અન્ય પક્ષોના નેતાઓને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે. સરકારે તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress - TMC)ના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ (Yusuf Pathan)ને પણ સામેલ કર્યા છે, પરંતુ યુસુફ પઠાણે આ ટીમ સાથે જવાનો ઇનકાર કરી દીધો છે.

તૃણમૂલ કોંગ્રેસે રવિવારે કેન્દ્ર સરકાર (Indian Government)ને જણાવ્યું હતું કે, યુસુફ પઠાણ કે પાર્ટીના અન્ય કોઈ સાંસદ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ (All-Party Delegations)નો ભાગ રહેશે નહીં. આ પ્રતિનિધિમંડળ આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ઘણા દેશોમાં જશે.

સરકારે સાંસદોના પ્રતિનિધિમંડળમાં યુસુફ પઠાણનો સમાવેશ કર્યો હતો. યુસુફ પઠાણે ભારત સરકારને જાણ કરી છે કે તેઓ આ પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે નહીં. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, યુસુફ પઠાણ પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે વિદેશ પ્રવાસ પર જઈ રહેલા સાંસદોના જૂથનો ભાગ રહેશે નહીં. સૂત્રો કહે છે કે ભારત સરકારે સીધો સાંસદ યુસુફ પઠાણનો સંપર્ક કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આનાથી નારાજ ટીએમસીએ યુસુફને સરકારને ના પાડવા કહ્યું હશે. સાંસદોના પ્રતિનિધિમંડળમાં યુસુફ પઠાણનું નામ સામેલ કરવા પહેલાં ટીએમસી સાથે કોઈ વાતચીત થઈ ન હતી. ભારત સરકારે યુસુફ પઠાણનો સીધો સંપર્ક કર્યો હતો અને હવે પઠાણે ભારત સરકારને જાણ કરી છે કે તેઓ પ્રતિનિધિમંડળ સાથે વિદેશ જવા માટે ઉપલબ્ધ રહેશે નહીં.

મમતા બેનર્જી (Mamata Banerjee)ના નેતૃત્વ હેઠળની પાર્ટી ટીએમસી (TMC)એ કહ્યું, ‘અમે માનીએ છીએ કે દેશ પહેલા આવે છે અને દેશની સુરક્ષા માટે જરૂરી કોઈપણ પગલાં લેવા માટે કેન્દ્ર સરકારને અમારો સંપૂર્ણ ટેકો આપ્યો છે. આપણા સશસ્ત્ર દળોએ દેશને ગૌરવ અપાવ્યું છે અને અમે હંમેશા તેમના ઋણી રહીશું. વિદેશ નીતિ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે. તેથી, ફક્ત કેન્દ્ર સરકારને જ આપણી વિદેશ નીતિ નક્કી કરવાની અને તેની સંપૂર્ણ જવાબદારી લેવાની મંજૂરી આપવી જોઈએ.’

આ અંગે પ્રતિક્રિયા આપતા ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જી (Abhishek Banerjee)એ કહ્યું, ‘અમે તમને સ્પષ્ટપણે કહી રહ્યા છીએ કે આતંકવાદ સામેની લડાઈમાં અમે કેન્દ્ર સરકાર સાથે ખભા મિલાવીને ઉભા છીએ. આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને દુનિયા સમક્ષ ખુલ્લું પાડવું જોઈએ, પરંતુ મારી પાર્ટીમાંથી કોણ જશે અને વિપક્ષી પાર્ટીમાંથી કોણ જશે, તે આ પાર્ટી નક્કી કરશે. ભાજપ આ નક્કી કરશે નહીં.’

ind pak tension operation sindoor yusuf pathan india pakistan Pahalgam Terror Attack terror attack indian government narendra modi trinamool congress mamata banerjee political news news national news