16 April, 2026 11:24 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મલ્લિકાર્જુન ખડગે
લોકસભામાં સરકાર આજે ૩ બિલ રજૂ કરવાની છે અને આ બિલ પૈકી મહિલા અનામત બિલને વિરોધ પક્ષોએ સમર્થન આપવાનું નક્કી કર્યું છે, પણ તેઓ સીમાંકન બિલનો વિરોધ કરે છે. આ મુદ્દે કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે લોકસભાની બેઠકો વધારવાના બિલના વિરોધમાં અમે મતદાન કરીશું.
મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ગઈ કાલે વિપક્ષી નેતાઓની બેઠક યોજાઈ હતી જેમાં રાહુલ ગાંધી અને તૃણમૂલ કૉન્ગ્રેસ, રાષ્ટ્રીય જનતા દલ, શિવસેના (UBT), નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP) ગ્રુપના નેતાઓ હાજર રહ્યા હતા.
બેઠક બાદ ખડગેએ કહ્યું હતું કે ‘અમે મહિલા અનામતની વિરુદ્ધ નથી, પરંતુ સરકાર વિપક્ષને દબાવવા માટે રાજકીય કારણોસર આ બિલને આગળ કરી રહી છે એટલે અમે સીમાંકન બિલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. સમગ્ર વિપક્ષ બિલની વિરુદ્ધ મતદાન કરશે.’
સરકાર ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલે સંસદના ખાસ સત્રમાં ૩ બિલ રજૂ કરવાની છે. આમાં બંધારણ (૧૩૧મો સુધારો) બિલ, સીમાંકન બિલ (સુધારો) અને કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારો) બિલ, ૨૦૨૬નો સમાવેશ થાય છે. સરકાર લોકસભા બેઠકોની સંખ્યા ૫૪૩થી વધારીને ૮૫૦ કરવાનો પ્રસ્તાવ મૂકે છે. આમાંથી આશરે ૨૭૩ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘સરકાર હવે જે પ્રસ્તાવ લાવી રહી છે એનો મહિલા અનામત સાથે કોઈ સંબંધ નથી. આ સુધારો સીમાંકન અને મતવિસ્તારોના મનસ્વી પુનર્ગઠન દ્વારા સત્તા કબજે કરવાનો પ્રયાસ છે. અમે OBC, દલિતો અને આદિવાસીઓના હિસ્સાની ચોરી થવા દઈશું નહીં. વધુમાં અમે દક્ષિણ, ઉત્તર-પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અને નાનાં રાજ્યોને કોઈ પણ અન્યાય થવા દઈશું નહીં.’