પદ્મશ્રી ડૉ. ડી. વાય. પાટીલનું ૯૦ વર્ષની વયે નિધન, શિક્ષણ અને રાજકારણ ક્ષેત્રે એક યુગનો અંત

04 August, 2026 01:27 PM IST  |  Kolhapur | Gujarati Mid-day Online Correspondent

Padma Shri Dr. D. Y. Patil Passes Away at 90: પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી ડૉ. ડી. વાય. પાટીલનું કોલ્હાપુરમાં ૯૦ વર્ષની વયે નિધન; તેઓ પાછળ એક સમૃદ્ધ વારસો છોડી ગયા છે, જેણે અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને ઘડવાનું કામ કર્યું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, સમાજસેવક અને ભૂતપૂર્વ રાજ્યપાલ ડૉ. ડી. વાય. પાટીલ (Dr. D. Y. Patil)નું મંગળવારે મહારાષ્ટ્ર (Maharashtra)ના કોલ્હાપુર (Kolhapur)માં ૯૦ વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી ભારતીય શિક્ષણ જગતમાં એક યુગનો અંત આવ્યો છે, અને દેશભરના રાજકીય નેતાઓ, શિક્ષણશાસ્ત્રીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડો. ડી. વાય. પાટીલના અવસાન (Padma Shri Dr. D. Y. Patil Passes Away at 90) સાથે ભારતે તેના સૌથી પ્રભાવશાળી શિક્ષણશાસ્ત્રીઓ અને સંસ્થાપકોમાંથી એક મહાનુભાવ ગુમાવ્યા છે. પ્રખ્યાત સમાજસેવક અને ભૂતપૂર્વ રાજ્યપાલનું મંગળવારે કોલ્હાપુરમાં ૯૦ વર્ષની વયે નિધન થયું હતું. તેમણે યુનિવર્સિટીઓ અને પ્રોફેશનલ કોલેજોના વિશાળ નેટવર્ક દ્વારા ઉચ્ચ શિક્ષણનો ચહેરો બદલી નાખ્યો હતો અને પોતાની પાછળ એક અદ્ભુત વારસો છોડી ગયા છે.

૨૨ ઓક્ટોબર, ૧૯૩૫ના રોજ જન્મેલા ડૉ. પાટીલે ગુણવત્તાયુક્ત શિક્ષણના વિસ્તાર અને સામાજિક કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. શિક્ષણ અને જાહેર સેવા ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ પ્રદાન બદલ તેમને ૧૯૯૧માં પદ્મશ્રી (Padma Shri) એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

શિક્ષણ ક્ષેત્રે અગ્રણી પ્રદાન

ડૉ. પાટીલે `ડી. વાય. પાટીલ ગ્રુપ` ની સ્થાપના કરી હતી, જે આજે ૧૮૨ થી વધુ સંસ્થાઓ અને સાત ડીમ્ડ યુનિવર્સિટીઓ સાથે ભારતનું સૌથી મોટું શૈક્ષણિક નેટવર્ક બની ગયું છે. આ જૂથે મેડિકલ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં હજારો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડવામાં સિંહફાળો આપ્યો છે.

ડૉ. પાટીલની રાજકીય સફર

શિક્ષણ ઉપરાંત ડૉ. પાટીલની રાજકીય અને બંધારણીય કારકિર્દી પણ વિશેષ રહી હતી. તેમણે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેઓ ૨૦૦૯ થી ૨૦૧૩ સુધી ત્રિપુરાના રાજ્યપાલ રહ્યા હતા. પછીના સમયમાં તેમણે ૨૦૧૩ થી ૨૦૧૪ દરમિયાન બિહારના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી અને ૨૦૧૪માં ટૂંકા સમય માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો વધારાનો પ્રભારી પદભાર પણ સંભાળ્યો હતો.

રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેઓ ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને યુવાનો માટે ઉત્તમ તકોનું નિર્માણ કરવા માટે જાણીતા બન્યા હતા. સંસ્થાઓના નિર્માણ અને સમાજસેવાના તેમના કાર્યોને કારણે તેમને રાજકીય અને સામાજિક વર્તુળોમાં વ્યાપક માન-સન્માન મળ્યું હતું.

દેશભરના નેતાઓએ તેમના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને શિક્ષણ, આરોગ્ય તથા સામાજિક વિકાસ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા એક દુરંદેશી નેતા તરીકે તેમને યાદ કર્યા છે.

તેમના પરિવારમાં તેમના પુત્રો, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા સતેજ પાટીલ, સંજય પાટીલ અને અજિંક્ય પાટીલ છે. ડૉ. પાટીલે સ્થાપેલી સંસ્થાઓ આજે પણ ભારતભરની નવી પેઢીને શિક્ષણ અને સશક્તિકરણ આપીને તેમનો વારસો જીવંત રાખી રહી છે.

celebrity death Education padma shri kolhapur maharashtra national news mumbai mumbai news