14 July, 2026 05:31 PM IST | Jammu and kashmir | Gujarati Mid-day Online Correspondent
પહલગામ આતંકવાદી હુમલો: NIAની તપાસમાં થયા મોટા ખુલાસા
જમ્મુની સ્પેશિયલ કોર્ટે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હાફિઝ સઈદ વિરુદ્ધ પહલગામ આતંકવાદી હુમલા કેસમાં બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું છે. કોર્ટે કહ્યું છે કે નિષ્પક્ષ તપાસ માટે હાફિઝ સઈદને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી જરૂરી છે. કોર્ટે આ વૉરંટ 8 જુલાઈએ જારી કર્યું હતું, જેની માહિતી હવે સામે આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 6 જુલાઈએ પહલગામ આતંકવાદી હુમલા મામલે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. NIAના જણાવ્યા પ્રમાણે, બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાનું કાવતરું હાફિઝ સઈદે ઘડ્યું હતું. એજન્સીએ હાફિઝ સઈદ પર ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આક્ષેપ લગાવ્યો છે.
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ હુમલા પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો હતો અને ત્યારબાદ તેમની હત્યા કરી હતી. આ હુમલામાં 26 પ્રવાસીઓના કતલ થયા હતા. આ ઘટનાના જવાબમાં ભારતે 6 અને 7 મેની રાત્રે ઑપરેશન સિંદૂર મિશન હાથ ધર્યું હતું. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી. ભારતના જણાવ્યા મુજબ, આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પહલગામ હુમલા કેસમાં NIAએ 15 ડિસેમ્બર 2025ના રોજ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં પાકિસ્તાનના આતંકવાદી હૅન્ડલર સાજિદ જટ સહિત 6 આતંકવાદીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. તે સમયે હાફિઝ સઈદનું નામ સામે આવ્યું ન હતું. હાલમાં તપાસ આગળ વધતા હાફિઝ સઈદ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
NIAની તપાસમાં સામે આવ્યું છે કે લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી સૈફુલ્લાહ જટ ઉર્ફ લંગડો હુમલાનો મુખ્ય હૅન્ડલર હતો. તે પાકિસ્તાનથી આતંકવાદીઓને હુમલા દરમિયાન માર્ગદર્શન આપી રહ્યો હતો. તેણે જ આતંકવાદીઓને બૈસરન ઘાટીનું લોકેશન મોકલ્યું હતું. NIAના જણાવ્યા મુજબ, હુમલા સમયે પણ તે આતંકવાદીઓ સાથે સંપર્કમાં હતો. તપાસમાં બે ટૂરિસ્ટ ગાઈડ પરવેઝ અહેમદ જોઠાર અને બશીર અહેમદ જોઠારના નામ પણ સામે આવ્યા છે. NIAના જણાવ્યા પ્રમાણે, બંનેએ હુમલા પહેલા બૈસરન વિસ્તારમાં આતંકવાદીઓને જોયા હતા. જો સમયસર સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હોત તો હુમલો અટકાવી શકાયો હોત. બંને ગાઈડ્સની ધરપકડ કરવામાં આવી છે. NIAની તપાસ મુજબ, હુમલાના એક દિવસ પહેલા ત્રણ આતંકવાદીઓ ગાઈડ પરવેઝની ઝૂંપડીમાં જમ્યા હતા. જતી વખતે તેઓ પોતાની સાથે રોટલી અને શાક પણ લઈ ગયા હતા. હુમલા પહેલા તે બૈસરન ઘાટીમાં એક ઝાડ નીચે બેસીને જમ્યા, ત્યારબાદ તેમણે પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો અને ધાર્મિક નારા લગાવ્યા હતા.
NIAની તપાસમાં ઍક્શન કૅમેરા અંગે પણ મહત્વનો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે પહલગામ હુમલા દરમિયાન આતંકવાદીઓએ જે ઍક્શન કૅમેરાનો ઉપયોગ કર્યો હતો, તે અમેરિકામાં બનાવવામાં આવ્યો હતો. આ કૅમેરા ચીન મારફતે આતંકવાદીઓ સુધી પહોંચ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ નાનો કૅમેરો સામાન્ય રીતે બાઈકિંગ, ટ્રેકિંગ, ડાઈવિંગ અને પ્રવાસ દરમિયાન વીડિયો રેકોર્ડ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના એન્કાઉન્ટર બાદ તેમની પાસેથી બે મોબાઈલ ફોન પણ મળ્યા હતા. આ મોબાઈલમાં એક ઑરેન્જ કલરનો Redmi 9T અને બીજો બ્લૅક કલરનો Redmi Note 12 હતો. તપાસમાં જાણવા મળ્યું કે બંને મોબાઈલ પાકિસ્તાનની કરાચી-લાહોર સપ્લાય ચેઈન મારફતે પહોંચ્યા હતા. આતંકવાદીઓના મોબાઈલમાંથી બૈસરન ઘાટીનું લોકેશન અને નેવિગેશન એપના સ્ક્રીનશોટ પણ મળ્યા હતા. આ પુરાવાઓના આધારે તપાસ એજન્સીઓ હુમલાના આયોજન અને આતંકવાદીઓના સંપર્કો અંગે વધુ માહિતી એકત્ર કરી રહી છે.