24 April, 2025 08:29 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનથી બે આતંકવાદીઓ ઘણા સમય પહેલાં જ ભારતમાં ઘૂસણખોરી કરીને આવી ગયા હતા અને એવું જાણવા મળે છે કે સ્થાનિક આતંકવાદીઓ સાથે મળીને તેમનો મૂળ પ્લાન કટરામાં ૧૯ એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે હુમલો કરવાનો હતો. વડા પ્રધાનની જમ્મુની એ મુલાકાત સલામતી અને ખરાબ વેધરને કારણે પડતી મૂકવામાં આવી હતી.
આ આતંકવાદીઓ ઇન્ટેલિજન્સ ઑફિસરોની ટીમ પર હુમલો કરવા આવ્યા હતા એવા જે અહેવાલ આવ્યા હતા એને સુરક્ષા દળોએ રદિયો આપ્યો હતો. પહલગામમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના જે ઑફિસરનું મૃત્યુ થયું છે તે પરિવાર સાથે વેકેશન મનાવવા આવ્યો હતો.
૪ આતંકવાદીઓની તસવીરો સુરક્ષા દળોએ જાહેર કરી
પહલગામમાં મંગળવારે બપોરે ટૂરિસ્ટો પર હુમલો કરનારા ચાર આતંકવાદીઓની તસવીરો સુરક્ષા દળોએ ગઈ કાલે જાહેર કરી હતી અને એમાં ત્રણ આતંકવાદીઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. આતંકવાદીઓનાં નામ આસિફ, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે. તેઓ પાકિસ્તાની આતંકવાદી જૂથ લશ્કર-એ-તય્યબા સાથે સંકળાયેલા છે. આતંકવાદીઓ પાસે AK-47 રાઇફલો અને સ્ટીલની બુલેટ્સ હતી. તેમણે શરીર પર કૅમેરા લગાવ્યા હતા.
બે સ્થાનિક આતંકવાદીઓની ઓળખ બિજબેહારાના આદિલ ઠાકુર અને ત્રાલના આસિફ શેખ તરીકે કરવામાં આવી છે. પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ પશ્તૂન બૅકગ્રાઉન્ડ ધરાવતા હતા.