13 May, 2025 07:30 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
શેહબાઝ શરીફ અને નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)
પાકિસ્તાન સમર્થિત આતંકવાદ વિરુદ્ધ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા શરૂ કરાયેલા ઑપરેશન સિંદૂરની સફળતા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને સંબોધનના એક દિવસ પછી, પાકિસ્તાન સરકારે કહ્યું કે તે "ભારતીય વડા પ્રધાનના ઉશ્કેરણીજનક અને ભડકાઉ દાવાઓને નકારી કાઢે છે".
વડા પ્રધાન મોદીએ સોમવારે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને ઑપરેશન સિંદૂર સફળતાપૂર્વક હાથ ધરવા બદલ ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી, જેણે મુખ્ય આતંકવાદી માળખાનો નાશ કર્યો હતો અને કેટલાક આતંકવાદીઓને ખતમ કર્યા હતા, જેમાંથી ઘણા `હાઇ પ્રોફાઇલ" હતા.
પાકિસ્તાનને કડક ચેતવણી આપતાં, મોદીએ કહ્યું કે ભારતે ફક્ત પાકિસ્તાનના આતંકવાદી અને લશ્કરી ઠેકાણાઓ હુમલો કરવાનું બંધ કર્યું છે પણ કાર્યવાહીને સમાપ્ત કર્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે યુદ્ધવિરામની વિનંતી સૌપ્રથમ ઇસ્લામાબાદ દ્વારા કરવામાં આવી હતી. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે "ટેરર અને ટૉક (આતંક અને વેપાર) સાથે ચાલી શકતા નથી અને પાણી અને લોહી પણ એકસાથે વહી શકતા નથી".
પીએમ મોદીના સંબોધન પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, દેશ "તાજેતરના યુદ્ધવિરામ સમજૂતી પ્રત્યે પ્રતિબદ્ધ છે, તણાવ ઓછો કરવા અને પ્રાદેશિક સ્થિરતા માટે જરૂરી પગલાં લઈ રહ્યો છે,"અહેવાલ અનુસાર, વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં, ઇસ્લામાબાદે ભારતીય વડા પ્રધાનના તાજેતરના સંબોધનને "ખોટી માહિતી, રાજકીય તકવાદ અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે સ્પષ્ટ અવગણના" પર આધારિત ગણાવ્યું.
"પાકિસ્તાન ભારતીય વડા પ્રધાનના ઉશ્કેરણીજનક અને ભડકાઉ દાવાઓને નકારી કાઢે છે," પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું. મંત્રાલયે વધુમાં કહ્યું કે તેમને આશા છે કે "ભારત પ્રાદેશિક સ્થિરતા અને તેના નાગરિકોની સુખ અને ભલાઈને પ્રાથમિકતા આપશે". પાકિસ્તાની વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત તરફથી ભવિષ્યમાં કોઈપણ આક્રમણ થશે તો તેનો પાકિસ્તાન સંપૂર્ણ દૃઢતાથી સામનો કરવામાં આવશે.
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે જો પાકિસ્તાન ભારતમાં હવે કોઈ આતંકવાદી હુમલો કરાવશે તો તે ભારત તેને ધૂળ ચટાવશે. પંજાબના આદમપુર ઍરબેઝ પર વાયુસેનાના કર્મચારીઓને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારત હંમેશા શાંતિની સાથે છે, પરંતુ જો તેના પર હુમલો કરવામાં આવે તો તે દુશ્મનને ચટાડવા માટે હંમેશા તૈયાર છે."
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ
ચાર દિવસ સુધી ચાલેલા ભારે ગોળીબાર બાદ, ભારત અને પાકિસ્તાને શનિવારે જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા માટે યુદ્ધવિરામ `સમજૂતી` પર પહોંચ્યા. શનિવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે સૌ પ્રથમ યુદ્ધવિરામનો જાહેર કર્યો હતો. આ યુદ્ધવિરામનો પાકિસ્તાન દ્વારા થોડા કલાકો પછી જમ્મુ, શ્રીનગર, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ડ્રૉન મોકલી ભંગ કરવામાં આવ્યો હતો. સોમવારે પણ, પીએમ મોદીના ભાષણ પછી તરત જ જમ્મુ અને પંજાબ પર ડ્રૉન જોવા મળ્યા હતા, જો કે, પ્રારંભિક ચેતવણી પછી, સરહદી વિસ્તારોમાં રાતભર પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહી.
7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા ઑપરેશન સિંદૂર લશ્કરી હુમલાના જવાબમાં, પાકિસ્તાને ભારત તરફ ડ્રૉન અને મિસાઇલો છોડ્યા પછી લશ્કરી મુકાબલો શરૂ થયો. 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બદલામાં ઑપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓએ 26 નાગરિકોની હત્યા કરી હતી.