12 May, 2025 09:53 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
યુદ્ધવિરામ બાદ નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર: એજન્સી)
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઑપરેશન સિંદૂર પર સોમવારે રાત્રે પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ મોદીએ આખા ભારત-પાકિસ્તાન વિવાદ બાદ ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે અને ભવિષ્ય માટે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી છે. પીએમએ એ પણ સ્પષ્ટ કર્યું કે યુદ્ધવિરામ શા માટે અને કેવી રીતે થયો અને પાકિસ્તાન કઈ શરતો પર સંમત થયું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ ભારતની કાર્યવાહીને સમર્થન આપવાને બદલે, પાકિસ્તાને ભારત પર જ હુમલો કરવાનું શરૂ કરી દીધું. પાકિસ્તાને આપણી શાળાઓ, કૉલેજો, ગુરુદ્વારા, મંદિરો, નાગરિકોના ઘરોને નિશાન બનાવ્યા. પાકિસ્તાને આપણા લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, પરંતુ આમાં પણ પાકિસ્તાન પોતે જ ખુલ્લું પડી ગયું. આખી દુનિયાએ જોયું કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રૉન અને પાકિસ્તાનના મિસાઇલો ભારત સામે ધૂળ બની ગયા. ભારતની શક્તિશાળી ઍર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાની મિસાઈલોને આકાશમાં જ નષ્ટ કરી દીધું.
પીએમએ કહ્યું કે પાકિસ્તાન સરહદ પર હુમલો કરવા માટે તૈયાર હતું, પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો. ભારતીય મિસાઇલો દ્વારા પાકિસ્તાની ડ્રૉન્સ પર ચોકસાઈથી હુમલો કરવામાં આવ્યો અને પાકિસ્તાનના ઍરબેઝને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. ત્રણ દિવસમાં ભારતે પાકિસ્તાનને એટલી હદે બરબાદ કરી દીધું કે તેણે કલ્પના પણ નહોતી કરી.
યુદ્ધવિરામ કેવી રીતે થયો?
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના પરોક્ષ રીતે જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે પાડોશી દેશની વિનંતી બાદ ભારતે તેના પર વિચાર કર્યો. વડા પ્રધાને કહ્યું, "ભારતની આક્રમક કાર્યવાહી પછી, પાકિસ્તાને બચવાના રસ્તા શોધવાનું શરૂ કર્યું. પાકિસ્તાન સમગ્ર વિશ્વને તેના અને ભારત વાંચેન તણાવને ઓછો કરવા અપીલ કરી રહ્યું હતું. ખરાબ રીતે માર ખાધા પછી, મજબૂરીમાં, પાકિસ્તાની સેનાએ 10 મેના રોજ બપોરે ભારતીય DGMOનો સંપર્ક કર્યો. ત્યાં સુધીમાં અમે આતંકવાદના ઠેકાણાઓને મોટા પાયે નષ્ટ કરી દીધા હતા. આતંકવાદીઓને મોતની સજા આપવામાં આવી. અમે પાકિસ્તાનમાં સ્થાપિત આતંકવાદી ઠેકાણાઓને ખંડેરમાં ફેરવી દીધા હતા."
પાકિસ્તાનના વચનો અને શરતો પછી વિચારણા
પીએમએ કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ પર વચન આપ્યા બાદ કાર્યવાહી મુલતવી રાખવામાં આવી છે. તેમણે કહ્યું, "જ્યારે પાકિસ્તાને યુદ્ધવિરામની અપીલ કરી, ત્યારે પાકિસ્તાને કહ્યું કે તે હવે કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ નહીં થાય, ત્યારે ભારતે યુદ્ધવિરામ વિશે વિચાર કર્યો." પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારતે પાકિસ્તાનના આતંકવાદી અને લશ્કરી ઠેકાણાઓ પર કાર્યવાહી મુલતવી રાખી છે.
સેના એલર્ટ પર: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે "આગામી દિવસોમાં, અમે પાકિસ્તાનના દરેક પગલાને તેના વલણના આધારે માપીશું. ભારતના ત્રણેય દળો, આપણી વાયુસેના, સેના અને નૌકાદળ, બીએસએફ, અર્ધલશ્કરી દળો સતત એલર્ટ પર છે. સર્જિકલ સ્ટ્રાઈક અને ઍર સ્ટ્રાઈક પછી, હવે ઑપરેશન સિંદૂર આતંકવાદ સામે ભારતની નીતિ છે. આતંકવાદ સામેની લડાઈમાં ઑપરેશન સિંદૂરે એક નવી સીમાચિહ્ન સ્થાપિત કરી છે. આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી માટે એક નવું ધોરણ, એક નવું સામાન્ય, સ્થાપિત થયું છે."
પાકિસ્તાનને ત્રણ ચેતવણીઓ
પાકિસ્તાનને ચેતવણી આપતી વખતે, પીએમ મોદીએ ત્રણ બાબતો સ્પષ્ટ કરી. તેમણે કહ્યું, "જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે. અમે અમારી રીતે અને અમારી પોતાની શરતો પર જવાબ આપીશું. આતંકવાદીના ઠેકાણાઓ જ્યાં પણ હશે ત્યાં અમે કડક કાર્યવાહી કરીશું. બીજું, ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં. ભારત પરમાણુ બ્લેકમેલના આડમાં ઊભરી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ અને નિર્ણાયક કાર્યવાહી કરશે. ત્રીજું, આપણે આતંકવાદીઓને સમર્થન આપતી સરકાર અને આતંકના આકાઓને અલગથી જોઈશું નહીં.