02 July, 2025 08:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ૯ જુલાઈ સુધી ૮ દિવસમાં પાંચ દેશોના પ્રવાસે જવા રવાના થવાના છે. ઘાનાથી શરૂ થનારો વડા પ્રધાનનો આ પ્રવાસ લગભગ ૧૦ વર્ષમાં તેમનો સૌથી લાંબો રાજદ્વારી પ્રવાસ હશે. ૮ દિવસના આ પ્રવાસમાં નરેન્દ્ર મોદી સાઉથ અમેરિકન, કૅરેબિયન અને આફ્રિકન દેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ પ્રવાસ ઘાનાથી શરૂ થશે. ત્યાંથી વડા પ્રધાન કૅરેબિયન રાષ્ટ્ર ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગો જશે અને પછી આર્જેન્ટિના જશે. આર્જેન્ટિનાથી તેઓ ૧૭મા બ્રિક્સ (BRICS-બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા) 2025 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાઝિલ જશે. પ્રવાસના અંતિમ તબક્કામાં તેઓ નામિબિયા જશે અને ત્યાંથી સ્વદેશ પાછા ફરશે. આ તમામ દેશોમાં ચીનનું વર્ચસ છે અને નરેન્દ્ર મોદી એ તોડવા માગે છે. આ જાણ થતાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે બ્રાઝિલ જવાનું માંડી વાળ્યું છે.
ઘાના
નરેન્દ્ર મોદીનો ઘાનાનો પ્રવાસ ૧૦ વર્ષ પહેલાં પદ સંભાળ્યા પછીનો પહેલો પ્રવાસ હશે. આ મુલાકાત ૩૦ વર્ષમાં કોઈ ભારતીય વડા પ્રધાન દ્વારા પ્રથમ વખત યોજાશે. ઘાનામાં નરેન્દ્ર મોદી ઘાનાની સંસદને પણ સંબોધિત કરશે.
ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગો
ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગો પ્રજાસત્તાકના વડા પ્રધાન કમલા પ્રસાદ-બિસેસરના આમંત્રણ પર વડા પ્રધાન આ કૅરેબિયન દેશની મુલાકાતે જઈ રહ્યા છે. મોદીની આ મુલાકાત પચીસ વર્ષમાં કોઈ ભારતીય વડા પ્રધાન દ્વારા પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત દરમ્યાન વડા પ્રધાન સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરે એવી અપેક્ષા છે.
આર્જેન્ટિના
પ્રવાસના ત્રીજા તબક્કામાં નરેન્દ્ર મોદી આર્જેન્ટિનાના પ્રેસિડન્ટ જાવિઅર મિલેઈના આમંત્રણ પર આ દેશની મુલાકાત લેશે. આ મુલાકાત દરમ્યાન બન્ને નેતાઓ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને સંરક્ષણ, કૃષિ, ખાણકામ, તેલ અને ગૅસ, ઊર્જા, વેપાર અને રોકાણમાં ચાલી રહેલા સહયોગને મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે.
બ્રાઝિલ
આર્જેન્ટિના પછી નરેન્દ્ર મોદી બ્રિક્સ 2025 સમિટ માટે બ્રાઝિલ જશે. આ પ્રવાસથી નરેન્દ્ર મોદી ચોથી વખત બ્રાઝિલની મુલાકાત લેશે. બ્રિક્સ સમિટમાં તેઓ પહલગામ હુમલા અને ઑપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને આતંકવાદ સંબંધિત બાબતોને સંબોધિત કરે એવી અપેક્ષા છે.
નામિબિયા
પ્રવાસના અંતિમ તબક્કામાં નરેન્દ્ર મોદી નામિબિયા જશે, જે ૨૭ વર્ષમાં કોઈ ભારતીય વડા પ્રધાનની પ્રથમ મુલાકાત પણ હશે. આ મુલાકાત દરમ્યાન વડા પ્રધાન નામિબિયાની સંસદને સંબોધિત કરશે. આ મુલાકાતનાં મુખ્ય કેન્દ્રબિંદુઓમાંનો એક નામિબિયામાં ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ને લાગુ કરવા માટેનો કરાર હશે. આ નિર્ણય ભારતની ડિજિટલ ચુકવણી પહેલના ભાગરૂપે આવ્યો છે, જે પહેલેથી જ ભુતાન, મૉરિશ્યસ, નેપાલ, સિંગાપોર, શ્રીલંકા, ફ્રાન્સ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં સક્રિય છે.
ચીનના વર્ચસને ઘટાડવાનો પ્રયાસ
નરેન્દ્ર મોદીની આ મુલાકાતોનો સૌથી મોટો ઉદ્દેશ વૈશ્વિક રાજદ્વારીમાં ભારતનું સ્થાન મજબૂત કરવાનો છે. ઘાના, ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયામાં ચીનનું વર્ચસ જે રીતે વધ્યું છે એને ઘટાડવાનો પણ આ પ્રયાસ છે. આ દેશોમાં ચીનના વધતા પ્રભાવને સંતુલિત કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ વ્યૂહરચના છે. આ દેશોમાં ચીનનો પ્રભાવ વધુ છે જે દેવાંઆધારિત પ્રભાવ છે. વડા પ્રધાન મોદી જ્યારે અહીં જશે ત્યારે ચીનના કિલ્લાનું પતન શરૂ થશે, કારણ કે આ દેશો હવે ચીનની ચાલાકીને પણ સમજી ગયા છે. આ બધા દેશોએ શ્રીલંકા, બંગલાદેશ અને પાકિસ્તાનની હાલત જોઈ લીધી છે. આ જ કારણ છે કે આ દેશો હવે ભારત તરફ ઝુકાવશે.
ચીને ઘાના અને નામિબિયામાં ખાણકામ અને માળખાગત પ્રોજેક્ટ્સ માટે અબજો ડૉલરની લોન આપી છે જેને કારણે આ દેશો દેવાંની જાળમાં ફસાયેલા છે, જ્યારે આર્જેન્ટિનામાં ચીને ઊર્જા અને રેલ પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે. એટલું જ નહીં, તે બ્રાઝિલમાં વેપાર અને બંદરોમાં પ્રભુત્વ ધરાવે છે. ચીન ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગોમાં તેલ અને ગૅસ ક્ષેત્રમાં પણ પ્રવેશ કરી ચૂક્યું છે. જોકે હવે બ્રાઝિલ સહિત આ દેશોનો ઝુકાવ ભારત તરફ દેખાઈ રહ્યો છે. આ જ કારણ છે કે બ્રાઝિલે બ્રિક્સ સમિટ ઉપરાંત વડા પ્રધાન મોદી માટે ખાસ ડિનરનું આયોજન કર્યું છે. ચીનને ખબર પડતાં જ એને ઈર્ષ્યા થઈ ગઈ છે અને આ જ કારણ છે કે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે બ્રિક્સથી દૂર