09 May, 2025 11:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયો અને ડિપાર્ટમેન્ટોના સેક્રેટરીઓ સાથે મીટિંગ કરીને બધાની સજ્જતા ચકાસી હતી.
પહલગામમાં બાવીસમી એપ્રિલે કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષોની હત્યા બાદ ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને વળતો જવાબ આપવાનું શરૂ કર્યું છે. એ વિશે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાનમાં પ્રાયોજિત આતંકવાદના જોખમ અને આગામી ઍક્શન વિશે માહિતી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશપ્રધાન એસ. જયશંકર અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ઑપરેશન સિંદૂર પહેલાં અનેક વૈશ્વિક નેતાઓનો સંપર્ક કર્યો હતો.
નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં બાવીસમી એપ્રિલે અમેરિકાના રાષ્ટ્રપતિને ફોન કર્યો હતો એ વખતે તેઓ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે હતા. જોકે તેમણે પ્રવાસ અધવચ્ચે રદ કર્યો હતો અને પાછા ભારત આવી ગયા હતા. ૨૩ એપ્રિલે નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન, નેપાલના વડા પ્રધાન, મૉરિશ્યસના વડા પ્રધાન અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિને ફોન કર્યો હતો. ૨૪ એપ્રિલે ઇઝરાયલ, જપાન અને ઇટલીના વડા પ્રધાન સાથે વાત કરી હતી. એ દરમ્યાન વડા પ્રધાન મોદીએ જૉર્ડનના રાજા સહિત ફ્રાન્સ અને મિશ્રના રાષ્ટ્રપતિ સાથે વાત કરીને હુમલા વિશે માહિતી આપી હતી. પાંચમી મેએ સૌથી સારા મિત્ર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ તેમણે વાત કરી હતી. ત્યારે પુતિને ભારતને દરેક શક્ય મદદ કરવાની વાત કરતાં કહ્યું હતું કે ભારતને આત્મરક્ષાનો અધિકાર છે.
સલામ છે આપણી સેનાને
ગઈ કાલે વિખ્યાત સૅન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે ઓડિશામાં પુરીના દરિયાકાંઠે ઑપરેશન સિંદૂરની સફળતા બદલ સૈન્યને સલામ કરતું રેતશિલ્પ બનાવ્યું હતું.