નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે થશે ઐતિહાસિક દ્વિપક્ષીય મુલાકાત

12 September, 2026 09:12 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૭ વર્ષ બાદ ચીની પ્રેસિડન્ટ ૨૪ કલાક માટે ભારત આવી રહ્યા હોવાથી બન્ને દેશોમાં ભારે ઉત્સાહ

ચાઇનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીમાં શનિવારથી શરૂ થયેલા બ્રિક્સ સંમેલનમાં ભારત અને ચાઇના વચ્ચેના સંબંધોમાં એક નવો વળાંક આવવાની પ્રબળ સંભાવના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચાઇનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક અતિ મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત યોજાવા જઈ રહી છે, જેની સત્તાવાર પુષ્ટિ ચાઇનાના વિદેશમંત્રાલયે કરી છે. ભારત અને ચાઇનાને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચાની પણ આશા વ્યક્ત કરી હતી.

૭ વર્ષ બાદ આગમન: રાષ્ટ્રપતિ શી જિનપિંગ શનિવારે બપોરે ૧૨.૨૫ વાગ્યે નવી દિલ્હી પહોંચશે અને રવિવારે બપોરે ૧૨.૨૦ વાગ્યે પરત ફરશે. લગભગ ૭ વર્ષ બાદ તેઓ ૨૪ કલાક માટે ભારતની મુલાકાતે આવી રહ્યા હોવાથી આ પ્રવાસ અત્યંત મહત્ત્વનો મનાય છે.

સકારાત્મક વાતાવરણ: ચાઇનાના વિદેશમંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે સ્પષ્ટ કર્યું છે કે ચાઇના ભારત સાથેના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં વિચારી રહ્યું છે. બન્ને દેશો વચ્ચે સંવાદ અને વાટાઘાટો દ્વારા મતભેદો ઉકેલવા પર ભાર મુકાયો છે.

મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો: શનિવારે બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે અને ત્યાર બાદ ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે બ્રિક્સ સંમેલનનું બીજું સત્ર યોજાશે. અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે એશિયાની આ બે મહાસત્તાઓ વચ્ચેની મુલાકાત વૈશ્વિક શાંતિ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

xi jinping china narendra modi india brics international news national news news new delhi