04 June, 2025 11:40 AM IST | Punjab | Gaurav Sarkar
ગગનદીપ સિંહ
પંજાબ પોલીસની કાઉન્ટર-ઇન્ટેલિજન્સ વિંગે ગઈ કાલે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના સંપર્કમાં રહેનારા ગગનદીપ સિંહ ઉર્ફે ગગન નામના જાસૂસની ધરપકડ કરી હતી. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે આરોપીએ ઑપરેશન સિંદૂર દરમ્યાન ભારતીય સેનાની ઍક્ટિવિટી અને ડિપ્લૉયમેન્ટ સંબંધિત સંવેદનશીલ માહિતી દુશ્મન દેશને શૅર કરી હતી જેનાથી દેશની સુરક્ષાને ગંભીર ખતરો પેદા થયો છે. પ્રાથમિક તપાસમાં એ પણ જાણવા મળ્યું કે ગગનદીપ સિંહ છેલ્લાં પાંચ વર્ષથી પાકિસ્તાનસ્થિત ખાલિસ્તાની સમર્થક ગોપાલસિંહ ચૌહાણના સંપર્કમાં હતો જેના દ્વારા તેની પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઑફિસર્સ (PIO) સાથે મુલાકાત થઈ હતી. આ સિવાય PIO પાસેથી તેમને ફન્ડિંગ પણ મળ્યું હતું.
આરોપીના મોબાઇલમાં ISIના ૨૦થી વધુ કૉન્ટૅક્ટ : પોલીસ
પોલીસતપાસમાં સામે આવ્યું હતું કે ગગનદીપ સિંહ પાસેથી જપ્ત કરાયેલા મોબાઇલમાં ISIના ૨૦થી વધુ કૉન્ટૅક્ટ નંબર મળ્યા છે. આ સમગ્ર મામલે નાણાકીય અને ટેક્નિકલ તપાસ ચાલી રહી છે જેથી અન્ય સંબંધોને ટ્રેસ કરી શકાય અને આ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.