13 August, 2025 06:59 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
કોંગ્રેસ (Congress)ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ દિલ્હી-એનસીઆર (Delhi NCR)માંથી તમામ રખડતા કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના નિર્દેશની આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના આ આદેશને દશકોની માનવીય અને વૈજ્ઞાનિક નીતિની વિરુદ્ધ તેમજ પાછળ હટવાનું પગલું ગણાવ્યું હતું.
ગઈકાલે સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં રખડતા કૂતરાઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો, જેના પર વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. દિલ્હી એનસીઆરમાંથી બધા કૂતરાઓને દૂર કરવા પર, રાહુલ ગાંધીએ કહ્યું કે, મૂંગા પ્રાણીઓ ક્યારેય સમસ્યા ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ શેર કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એક ડગલું પાછળ છે.
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં (Rahul Gandhi criticises SC`s directive to remove stray dogs) લખ્યું છે કે, ‘દિલ્હી એનસીઆરમાંથી બધા રખડતા કૂતરાઓને દૂર કરવાનો આદેશ માનવતા અને વિજ્ઞાનને ઘણા દાયકાઓ પાછળ લઈ જશે. આ અવાજહીન આત્માઓ ક્યારેય એવી સમસ્યા ન હોઈ શકે જેને દૂર કરી શકાય. કોઈપણ અતિરેક વિના રખડતા કૂતરાઓને આશ્રય આપીને, તેમને રસી અપાવીને અને સમુદાય સંભાળની મદદથી શેરીઓને સુરક્ષિત રાખી શકાય છે.’
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આગળ લખ્યું છે કે, ‘રખડતા કૂતરાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા એ એક ક્રૂર પગલું છે જે કોઈપણ રીતે દૂરંદેશી નથી. આપણે જાહેર સલામતી અને પ્રાણી કલ્યાણ વચ્ચે સંતુલન બનાવવાની જરૂર છે.’
પ્રાણી અધિકાર કાર્યકર્તા (Animal Rights Activist) મેનકા ગાંધી (Maneka Gandhi)એ પણ સુપ્રીમ કોર્ટના આ આદેશ પર સવાલ ઉઠાવ્યા છે. મેનકા ગાંધીએ કહ્યું, ‘દિલ્હીમાં ત્રણ લાખ રખડતા કૂતરા છે. તે બધાને પકડીને આશ્રય ગૃહોમાં મોકલવામાં આવશે. તેમને શેરીઓમાંથી દૂર કરવા માટે, દિલ્હી સરકારે એક હજાર કે બે હજારઆશ્રય ગૃહો બનાવવા પડશે. કારણ કે ઘણા કૂતરાઓ એકસાથે રાખી શકાતા નથી. સૌ પ્રથમ, તેના માટે જમીન શોધવી પડશે. તેનો ખર્ચ લગભગ ૪-૫ કરોડ થશે. કારણ કે દરેક કેન્દ્રમાં, સંભાળ રાખનારાઓ, રસોઈયા અને ખોરાક આપનારાઓ અને ચોકીદારો માટે વ્યવસ્થા કરવી પડશે. સુપ્રીમ કોર્ટનો આદેશ ગુસ્સામાં અને શક્યતા ધ્યાનમાં લીધા વિના પસાર કરવામાં આવ્યો હશે.’
તમને જણાવી દઈએ કે, ગઈ કાલે એટલે કે સોમવારે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે દિલ્હી એનસીઆરમાંથી આઠ મહિનાની અંદર બધા રખડતા કૂતરાઓને દૂર કરવામાં આવે. લોકો આ અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, જ્યારે ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.