29 March, 2025 06:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
લોકસભામાં રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકાનો ચહેરો પકડ્યો
વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભામાં તેમની બહેન પ્રિયંકા ગાંધીનો ચહેરો પકડતા જોવા મળ્યા હતા. તેમની આ હરકત લોકસભાથી લઈને રાજનીતિમાં મોટો મુદ્દો બની હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બુધવારે ગૃહમાં આચરણ અને વ્યવહાર માટે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સલાહ આપી હતી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ રાહુલ ગાંધીની આ હરકતને લઈને તેમને આડેહાથ લીધા હતા.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે ‘તમામ સભ્યોથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ગૃહમાં ગરિમા અને પરંપરાઓનું પાલન કરે. એ જરૂરી છે કે તમામ સભ્ય ગૃહની ગરિમા અને શાલીનતા જાળવી રાખે. તાજેતરના દિવસોમાં કેટલીક ઘટનાઓ ધ્યાનમાં આવી છે જે ગૃહની પરંપરાઓ અને ઉચ્ચ માપદંડને અનુરૂપ નથી.’
ઓમ બિરલાએ ખાસ કરીને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને નિયમ ૩૪૯ હેઠળ સંસદીય શિષ્ટાચારનું પાલન કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે ઘણી વખત પરિવારના સભ્યો લોકસભામાં એકસાથે ચૂંટાયા છે, પરંતુ દરેક વ્યક્તિ પાસેથી નિયમો અનુસાર વર્તન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.
BJPના IT સેલના વડા અમિત માલવિયએ આ મુદ્દા પર એક વિડિયો શૅર કર્યો હતો. એ વિડિયોમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમની બહેન અને સંસદસભ્ય પ્રિયંકા ગાંધી સાથે જોવા મળી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે આ સંદર્ભમાં લોકસભાના સ્પીકરે રાહુલ ગાંધીને સંસદીય શિષ્ટાચારની યાદ અપાવી હતી. માલવિયએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકસભાના અધ્યક્ષને વિપક્ષના નેતાને મૂળભૂત સંસદીય શિષ્ટાચારનો પાઠ ભણાવવો પડ્યો. કૉન્ગ્રેસે તેમને આ પદ પર બેસાડ્યા છે જે આશ્ચર્યજનક છે.’
પરિવારના સંબંધો ઘરમાં જ રાખો : શેહઝાદ પૂનાવાલા
BJPના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ આ સંદર્ભે પ્રતિક્રિયા આપી હતી કે ‘જો તે તેમની બહેન હોય તો પણ તે સંસદસભ્ય છે અને પરિવારના સંબંધો ઘરમાં જ રાખવા જોઈએ. સંસદમાં મર્યાદા જાળવી રાખવી જોઈએ.’
રાહુલ ગાંધીએ કર્યો પલટવાર
આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપતાં રાહુલ ગાંધીએ BJP પર નિશાન તાક્યું હતું. સંસદની બહાર મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘જ્યારે પણ હું લોકસભામાં મારા વિચાર રજૂ કરવા માટે ઊભો થાઉં છું ત્યારે મને બોલવા નથી દેવાતો. મને સમજાતું નથી કે ગૃહ કેવી રીતે ચાલી રહ્યું છે.’