21 May, 2025 02:26 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાજીવ ગાંધીની ફાઇલ તસવીર
આજે ૨૧ મે ૨૦૨૫ના રોજ ભારત (India)ના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી (Rajiv Gandhi)ની ૩૪મી પુણ્યતિથિ છે. ભારતમાં કમ્પ્યુટર ક્રાંતિ લાવવાનો શ્રેય રાજીવ ગાંધીને જાય છે. ૨૧ મે ૧૯૯૧ના રોજ તમિલનાડુ (Tamil Nadu)ના શ્રીપેરુમ્બુદુર (Sriperumbudur)માં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેમની માતા ઇન્દિરા ગાંધી (Indira Gandhi)ની હત્યા પછી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવીને તેઓ દેશના વડા પ્રધાન બન્યા હતા. દેશની વધુ સેવા કરી શકે તે પહેલાં જ રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેમની પુણ્યતિથિ (Rajiv Gandhi Death Anniversary) પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), કોંગ્રેસ (Congress) પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે (Mallikarjun Kharge), રાહુલ ગાંધી (Rahul Gandhi), સચિન પાયલટ (Sachin Pilot) અને અન્ય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને ૩૪મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, ‘આજે તેમની પુણ્યતિથિ પર, હું આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.’
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ X પર એક વિડિઓ શેર કરીને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે લખ્યું, ‘રાજીવ ગાંધી - ભારતના એક મહાન પુત્રએ લાખો ભારતીયોમાં આશાનું કિરણ પ્રગટાવ્યું. તેમના સ્વપ્નદ્રષ્ટા અને હિંમતવાન હસ્તક્ષેપોએ ૨૧મી સદીના પડકારો અને તકો માટે ભારતને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આમાં મતદાનની ઉંમર ઘટાડીને ૧૮ વર્ષ કરવી, પંચાયતી રાજને મજબૂત બનાવવું, ટેલિકોમ અને IT ક્રાંતિનું નેતૃત્વ કરવું, કોમ્પ્યુટરાઇઝેશન કાર્યક્રમો લાગુ કરવા, સતત શાંતિ કરારો સુનિશ્ચિત કરવા, સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમો શરૂ કરવા અને સમાવિષ્ટ શિક્ષણ પર કેન્દ્રિત નવી શિક્ષણ નીતિ રજૂ કરવાનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ભારત રત્ન રાજીવ ગાંધીને તેમના બલિદાન દિવસ પર અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ.’
પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી અને ટીએમસી (TMC)ના વડા મમતા બેનર્જી (Mamata Banerjee)એ પણ રાજીવ ગાંધીને યાદ કર્યા. તેમણે એક્સ પર લખ્યું, `આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. રાજીવ ગાંધી એક સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ હતા અને ભારત માટે શહીદ થયા હતા.`
કોંગ્રેસના નેતા સચિન પાયલટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, `હું ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમના `બલિદાન દિવસ` પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. રાજીવ ગાંધી એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા જેમણે પોતાના નેતૃત્વ અને આધુનિક વિચારસરણીથી પ્રગતિશીલ દૃષ્ટિકોણ પ્રદાન કરીને દેશને દિશા આપી. તેમના નિર્ણયોએ ભારતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું. તેમનું યોગદાન આપણા માટે પ્રેરણારૂપ છે અને તેમની સ્મૃતિ હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે.`
આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને ૩૪મી પુણ્યતિથિએ સહુ કોઈ યાદ કરીને ભાવુક થયા છે.