દિલ્હીમાં મુસ્તફા કમાલ અતાતુર્ક માર્ગનું નામ બદલીને બ્રહ્મોસ માર્ગ કરવાની માગણી

20 May, 2025 10:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટર્કીના સ્થાપક અને પ્રથમ પ્રેસિડન્ટના નામનો રસ્તો વડા પ્રધાનના નિવાસસ્થાન પાસે જ છે

દિલ્હીમાં મુસ્તફા કમાલ અતાતુર્ક માર્ગનું નામ બદલવાની વિનંતી કરી

પાકિસ્તાનને સમર્થન આપવા માટે અને ભારતમાં ટર્કીનો બહિષ્કાર કરવા માટે આહ્‍વાન આપવામાં આવ્યું છે એવા સમયે ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દિલ્હીમાં મુસ્તફા કમાલ અતાતુર્ક માર્ગનું નામ બદલવાની વિનંતી કરી છે. આ વેપાર-સંગઠને કહ્યું હતું કે નાગરિકોમાં ભારતીય સશસ્ત્ર દળોની ભાવનાને મજબૂત બનાવવા માટે આ રસ્તાનું નામ બદલીને બ્રહ્મોસ માર્ગ રાખવું જોઈએ.

નવી દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાન પાસે જ મુસ્તફા કમાલ અતાતુર્ક માર્ગ છે. ટર્કીના પ્રથમ પ્રેસિડન્ટ અને સ્થાપક કમાલ અતાતુર્કના માનમાં એ નામ રાખવામાં આવ્યું હતું. CTIના ચૅરમૅન બ્રિજેશ ગોયલે વિનંતી કરતાં કહ્યું છે કે ‘છેલ્લાં ૩૦ વર્ષથી અતાતુર્ક માર્ગ પર બોર્ડ લગાવવામાં આવ્યું છે, જે હવે દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યું છે, ખાસ કરીને જ્યારે ટર્કીએ તાજેતરમાં ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો છે. પાકિસ્તાનની સાથે ઊભા રહેલા ટર્કીના સ્થાપકને ભારતની રાજધાનીમાં સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાન પર રોડનું નામકરણ કરીને તેમનું ગૌરવ વધારવામાં આવ્યું હતું જે યોગ્ય નથી. જ્યારે ટર્કીએ આપણા દુશ્મન દેશ પાકિસ્તાનને ટેકો આપ્યો છે ત્યારે હવે સમય આવી ગયો છે કે આપણે તેમને કડક સંદેશ આપીએ.’

new delhi narendra modi india pakistan turkey national news news