01 July, 2025 01:28 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
એસ. જયશંકર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પાડોશી દેશ પાકિસ્તાનને સ્પષ્ટપણે કહ્યું કે ભારત પરમાણુ બ્લેકમેઇલિંગ સામે ઝૂકશે નહીં. આતંકવાદીઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવવામાં આવશે નહીં. આવા આતંકવાદી સંગઠનોને ટેકો આપતી સરકારને પણ છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન પર હુમલાના પરિણામો અંગે વિશ્વની ચિંતાઓથી દિલ્હી પ્રભાવિત થવાનું નથી. સરહદ પારથી આતંકવાદી હુમલાઓની લાંબી પેટર્નનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે દેશમાં એવી લાગણી છે કે હવે બહુ થયું. આખો દેશ માગ કરી રહ્યો છે કે આતંકવાદને સમર્થન આપતા દેશો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આતંકવાદ પર જયશંકરના કડક શબ્દો
જયશંકરે ન્યૂઝવીક સાથેની મુલાકાતમાં આ વાતો કહી હતી. આ મુલાકાત મેનહટનમાં 9/11 મેમોરિયલ નજીક વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર સ્થિત પ્રકાશન મુખ્યાલયમાં લેવામાં આવી હતી. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે અમે સ્પષ્ટ કરી રહ્યા છીએ કે આતંકવાદીઓને કોઈ છૂટ આપવામાં આવશે નહીં. અમે હવે તેમને પ્રોક્સી તરીકે નહીં ગણીએ અને તેમને ટેકો આપતી સરકારને પણ નહીં છોડીએ. જે સરકાર તેમને ભંડોળ પૂરું પાડે છે અને આ આતંકવાદીઓને પ્રેરણા આપે છે, તેમના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે પરમાણુ બ્લેકમેઇલિંગનો ભોગ બનીશું નહીં.
`અમે તેમને છોડશું નહીં` વિદેશ મંત્રીએ આવું કેમ કહ્યું?
વિદેશ મંત્રીએ કહ્યું કે અમે ઘણા સમયથી સાંભળ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો છે. હવે અમે આમાં પડવાના નથી. જો કોઈ ખોટા ઈરાદાથી કોઈ ઘટનાને અંજામ આપે છે, તો અમે તેમને છોડશું નહીં. જેમણે આ કર્યું છે તેમની સામે અમે કડક કાર્યવાહી કરીશું. આવી સ્થિતિમાં, અમે પરમાણુ બ્લેકમેલ સામે ઝૂકીશું નહીં. આતંકવાદીઓને કોઈ છૂટ નથી. અમે અમારા લોકોની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરીશું.
પહલગામ હુમલો `આર્થિક યુદ્ધ`
જયશંકરે 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કાશ્મીરમાં પર્યટનને નષ્ટ કરવાના હેતુથી આર્થિક યુદ્ધ ગણાવ્યું હતું. સરહદ પારથી થતા હુમલાઓના લાંબા પેટર્નનો ઉલ્લેખ કરતા, જયશંકરે કહ્યું કે દેશમાં એવી લાગણી છે કે હવે બહુ થયું. તેમણે કહ્યું કે ભારતને નિશાન બનાવતા પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ ગુપ્ત રીતે કાર્ય કરતા નથી. તેમણે તેમના માળખાગત સુવિધાઓની તુલના શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ સ્થિત કૉર્પોરેટ સંસ્થાઓ સાથે કરી.
પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવ્યો
જયશંકરે કહ્યું કે આ એવા આતંકવાદી સંગઠનો છે જેમના `કૉર્પોરેટ મુખ્યાલય પાકિસ્તાનના વસ્તીવાળા શહેરોમાં છે`. પહલગામ હત્યાકાંડના જવાબમાં ભારતે ઑપરેશન સિંદૂર શરૂ કર્યું. તેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કરવાનો સમાવેશ થતો હતો. લશ્કર-એ-તૈયબા (LeT) ના પ્રોક્સી, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (The Resistance Front) એ હુમલાની જવાબદારી સ્વીકારી. આ ઑપરેશનમાં, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના બહાવલપુર અને મુરીદકેમાં આતંકવાદી ગઢ પર હુમલો કર્યો.