કોવિડ દરદીની આત્મહત્યાને પણ કોવિડ-મૃત્યુ ગણો : સુપ્રીમની કેન્દ્રને સૂચના

14 September, 2021 10:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્રની નવી ગાઇડલાઇન્સ મુજબ જો કોઈ વ્યક્તિનો કોવિડ-19ને લગતો પૉઝિટિવ રિપોર્ટ આવે અને એ પૉઝિટિવ ટેસ્ટિંગની તારીખથી માંડીને ૩૦ દિવસની અંદર જો એ વ્યક્તિ મૃત્યુ પામે તો એ કોવિડ-19થી થયેલું મૃત્યુ ગણાશે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય આરોગ્ય ખાતું તેમ જ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)એ સંયુક્ત રીતે કોવિડ-19થી થતાં મૃત્યુ સંબંધમાં સત્તાવાર ડેથ સર્ટિફિકેટ આપવા વિશેની નવી ગાઇડલાઇન્સ બહાર પાડી હોવાની જાણકારી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી અને એમાંની કેટલીક જોગવાઈઓથી અદાલતને વાકેફ કરી એને પગલે અદાલતે કેન્દ્રને એક સૂચના આપી છે.

કેન્દ્રની નવી ગાઇડલાઇન્સ મુજબ જો કોઈ વ્યક્તિનો કોવિડ-19ને લગતો પૉઝિટિવ રિપોર્ટ આવે અને એ પૉઝિટિવ ટેસ્ટિંગની તારીખથી માંડીને ૩૦ દિવસની અંદર જો એ વ્યક્તિ મૃત્યુ પામે તો એ કોવિડ-19થી થયેલું મૃત્યુ ગણાશે. આ દરદીનું મૃત્યુ હૉસ્પિટલ કે ઇન-પેશન્ટ સુવિધાની બહાર થાય તો પણ તે કોવિડ-19 ડેથ સર્ટિફિકેટને પાત્ર બનશે. જો કોઈ કોવિડ-19 દરદી હૉસ્પિટલમાં કે ઇન-પેશન્ટ સુવિધામાં ૩૦ કરતાં વધુ દિવસ સુધી ઍડ્મિટ હોય અને પછીથી તેનું કોવિડથી મૃત્યુ થાય તો પણ તે કોવિડ-19ના ડેથ સર્ટિફિકેટને પાત્ર કહેવાશે. જોકે કોઈ કોવિડ પેશન્ટનું મૃત્યુ ઝેર ખાવાથી કે પછી આત્મહત્યા, સદોષ મનુષ્યવધ, અકસ્માત વગેરે કારણસર થાય તો એને કોવિડ-મૃત્યુ તરીકે નહીં ગણવામાં આવે.

આ સંબંધમાં ગઈ કાલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે અમારું એવું કહેવું છે કે જો કોઈ કોવિડ પેશન્ટ આત્મહત્યા કરે તો એને પણ કોવિડ-ડેથ જ ગણવું જોઈએ. એ જોતાં કેન્દ્રએ પોતાની આ વિશેની જોગવાઈમાં ફેરફાર કરવો જોઈએ. આ મંતવ્ય ન્યાયાધીશો એ. આર. શાહ અને એ. એસ. બોપન્નાની બેન્ચે આપ્યા હતા.

27254

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ આટલા નવા કેસ તેમ જ ૨૧૯ મૃત્યુ નોંધાયાં.

national news coronavirus covid19 supreme court