રાહુલ હિન્દુવિરોધી માનસિકતા છોડી દે

29 August, 2026 10:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની ચેતવણી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી

ઉત્તરાખંડ સ્થિત જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મનુસ્મૃતિ અને સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિશેની નેતા રાહુલ ગાંધીની કમેન્ટ્સની ટીકા કરતાં કહ્યું હતું કે આ કમેન્ટ્સ સનાતન પરંપરા પ્રત્યે ઘોર અજ્ઞાનતા, ઉપરછલ્લી સમજણ અને દ્વેષપૂર્ણ માનસિકતા દર્શાવે છે.

આ સંદર્ભમાં એક અખબારી યાદીમાં શંકરાચાર્યે કહ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા પ્રાચીન શાસ્ત્રોના શ્ળોકોનો ઉલ્લેખ રાજકીય હેતુઓ માટે સંદર્ભની બહાર હતો અને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હતો અને ભારતના સાંસ્કૃતિક વારસાનું અપમાન હતું.

આ સંદર્ભમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી દ્વારા ટાંકવામાં આવેલા ‘પિતા રક્ષતિ કૌમારે, ભર્તા રક્ષતિ યૌવને...’ (બાળપણમાં પિતા રક્ષા કરે છે, યુવાનીમાં પતિ રક્ષા કરે છે) શ્ળોકનું અર્થઘટન સ્ત્રીઓની તાબેદારી અથવા પરાધીનતા તરીકે ન કરવું જોઈએ. સંસ્કૃત શબ્દ ‘રક્ષતિ’ રક્ષણ અને સુરક્ષા પૂરી પાડવાનો અર્થ દર્શાવે છે અને મહિલાઓની સલામતી, આદર અને ભરણપોષણ પ્રત્યે પરિવાર અને સમાજની જવાબદારીનો ઉલ્લેખ કરે છે.’

રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને મનુસ્મૃતિ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે શંકરાચાર્યે રાહુલ ગાંધીની દલીલોને ‘સંપૂર્ણપણે પાયાવિહોણી અને સત્યની વિરુદ્ધ’ ગણાવીને કહ્યું હતું કે ‘રાજકીય પક્ષને મનુસ્મૃતિ સાથે જોડવો એ રાજકીય નૅરેટિવ બનાવવાનો પ્રયાસ છે. સ્વતંત્ર ભારતનું શાસન અને એની રાજકીય વ્યવસ્થાનું કાર્ય ભારતના બંધારણ દ્વારા સંચાલિત છે. મનુસ્મૃતિ પર રાહુલ ગાંધીની વારંવારની કમેન્ટ્સ સાબિત કરે છે કે તેમની માનસિકતા મૂળભૂત રીતે હિન્દુ શાસ્ત્રો અને સનાતન વિશ્વ દૃષ્ટિકોણ પ્રત્યે વિરોધી હતી. સંસદ અને જાહેર મંચોમાં મનુસ્મૃતિ અને પવિત્ર ગ્રંથો અંગે વારંવાર જૂઠાણાં અને ખોટી માહિતી ફેલાવવાને કારણે રાહુલ ગાંધીને અગાઉ હિન્દુ ધર્મમાંથી બહિષ્કૃત જાહેર કરવામાં આવ્યા હતા.’

રાહુલ ગાંધી ધર્મવિરોધી અને શાસ્ત્રવિરોધી કમેન્ટ્સ કરવાથી દૂર રહે એવી ચેતવણી આપીને શંકરાચાર્યે કહ્યું હતું કે જો તેઓ અને કૉન્ગ્રેસ પક્ષ સંપૂર્ણ શાસ્ત્રોક્ત અભ્યાસ અને સમજણ વિના સનાતન ગ્રંથો પર ભ્રામક અને અપમાનજનક કમેન્ટ્સ કરવાનું ચાલુ રાખશે તો સનાતન પરંપરા પ્રત્યે પ્રતિબદ્ધ સમાજના વર્ગો તેમનો વિરોધ કરતા રહેશે.

rahul gandhi congress uttarakhand national news news